[1] યહોવાહની સમક્ષ, એક નવું ગીત ગાઓ, કેમ કે તેમણે અદ્દભુત કૃત્યો કર્યાં છે; તેમના જમણા હાથે તથા તેમના પવિત્ર બાહુએ પોતાને માટે વિજય મેળવ્યો છે.
[2] યહોવાહે પોતાનું તારણ બતાવ્યું છે; તેમણે પોતાનું ન્યાયીપણું વિદેશીઓની દ્રષ્ટિમાં પ્રગટ કર્યું છે.
[3] તેમણે પોતાની કૃપા તથા વિશ્વાસુપણું ઇઝરાયલના લોકોને માટે સંભાર્યાં છે; આખી પૃથ્વીએ આપણા ઈશ્વરનો વિજય જોયો છે.
[4] હે પૃથ્વીના લોકો, યહોવાહની આગળ હર્ષનાદ કરો; આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ, હા, સ્તોત્રો ગાઓ.
[5] વીણાસહિત, વીણા તથા ગાયનસહિત યહોવાહનાં સ્તોત્રો ગાઓ.
[6] તૂરી તથા રણશિંગડાંના અવાજથી યહોવાહ રાજાની આગળ હર્ષનાદ કરો.
[7] સમુદ્ર તથા તેનું સર્વસ્વ, જગત અને તેમાંના સર્વ રહેવાસીઓ, ગાજો.
[8] નદીઓના પ્રવાહો તાળી પાડો અને પર્વતો હર્ષનાદ કરો.
[9] યહોવાહ પૃથ્વીનો ન્યાય કરવાને આવે છે; તે ન્યાયીપણાએ પૃથ્વીનો અને યથાર્થપણાએ લોકોનો ન્યાય કરશે.