Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:30

[1] હે ન્યાયી લોકો, યહોવાહમાં આનંદ કરો; યથાર્થીઓ સ્તુતિ કરે તે યોગ્ય છે.

[2] વીણા વગાડી યહોવાહની સ્તુતિ કરો; દશ તારનું વાજિંત્ર વગાડીને તેમનાં સ્તોત્ર ગાઓ.

[3] તેમની આગળ નવું ગીત ગાઓ; વાજિંત્રોને કુશળતાથી અને આનંદથી વગાડો.

[4] કેમ કે યહોવાહનો શબ્દ યથાર્થ છે અને તેમણે કરેલાં સર્વ કામો વિશ્વાસયોગ્ય છે.

[5] તે ન્યાય અને ન્યાયી વર્તન ચાહે છે. પૃથ્વી યહોવાહની કૃપાથી ભરાઈ ગઈ છે.

[6] યહોવાહના શબ્દ વડે આકાશો ઉત્પન્ન થયાં અને તેમના મુખના શ્વાસ વડે આકાશના સર્વ તારાઓની રચના થઈ.

[7] તેઓ સમુદ્રનાં પાણીને મશકની માફક ભેગાં કરે છે; તેના અતિશય ઊંડાણોને તે વખારોમાં ભરી રાખે છે.

[8] સમગ્ર પૃથ્વી યહોવાહની બીક રાખે; દુનિયાના સર્વ રહેવાસીઓ તેમનો ભય રાખો.

[9] કારણ કે તેઓ બોલ્યા અને સૃષ્ટિ ઉત્પન્ન થઈ; તેમણે આજ્ઞા કરી અને તે સ્થિર થઈ.

[10] યહોવાહ વિદેશીઓની યોજનાઓને નિષ્ફળ બનાવે છે; તે લોકોની યોજનાઓને નિરર્થક બનાવે છે.

[11] યહોવાહની યોજનાઓ સદાકાળ ટકે છે, તેમણે કરેલી ઘારણા પેઢી દર પેઢી રહે છે.

[12] જે પ્રજાના ઈશ્વર યહોવાહ છે અને જેઓને તેમણે પોતાના વારસાને માટે પસંદ કર્યા છે, તેઓ આશીર્વાદિત છે.

[13] યહોવાહ આકાશમાંથી જુએ છે; તે સર્વ મનુષ્યપુત્રો પર નજર રાખે છે.

[14] પોતાના નિવાસસ્થાનમાંથી તે પૃથ્વીના સર્વ રહેવાસીઓને નિહાળે છે.

[15] તે સર્વના હૃદયના સરજનહાર છે અને તેઓ જે કાંઈ કરે છે તે તે ધ્યાનમાં રાખે છે.

[16] મોટા સૈન્ય વડે કોઈ રાજા બચી શકતો નથી; મોટા પરાક્રમ વડે બળવાન પુરુષ છૂટી શકતો નથી.

[17] યુદ્ધમાં વિજય માટે ઘોડાઓ પર આધાર રાખવો તે વ્યર્થ છે; તેઓ પોતાના બહુ બળથી કોઈને ઉગારી શકતા નથી.

[18] જુઓ, જેઓ યહોવાહનો ભય રાખે છે અને તેમના કરારના વિશ્વાસુપણામાં રહે છે, તેઓ પર તેમની નજર રહે છે.

[19] જેથી તે તેઓના જીવને મૃત્યુથી બચાવે અને દુકાળ સમયે તેઓને જીવતાં રાખે.

[20] અમે યહોવાહની રાહ જોઈ; તે આપણી સહાય તથા આપણી ઢાલ છે.

[21] અમારાં હૃદયો તેમનામાં આનંદ માને છે, કેમ કે અમે તેમના પવિત્ર નામ પર ભરોસો રાખ્યો છે.

[22] હે યહોવાહ, અમે તમારા પર આશા રાખી છે તે પ્રમાણે તમારી કૃપા અમારા ઉપર થાઓ.

ગીતશાસ્ત્ર — Chapters