[1] હું સર્વ સમયે યહોવાહને ધન્યવાદ આપીશ; મારે મુખે તેમની સ્તુતિ નિરંતર થશે.
[2] હું યહોવાહની સ્તુતિ કરીશ; દિન લોકો તે સાંભળીને આનંદ કરશે.
[3] મારી સાથે યહોવાહની સ્તુતિ કરો; આપણે એકઠાં મળીને તેમનું નામ બુલંદ માનીએ.
[4] મેં યહોવાહને પોકાર કર્યો અને તેમણે મને ઉત્તર આપ્યો અને મારા સર્વ ભયમાંથી મને વિજય અપાવ્યો.
[5] જેઓ તેમની તરફ જુએ છે, તેઓ પ્રકાશ પામશે અને તેઓનાં મુખ કદી ઝંખવાણા પડશે નહિ.
[6] આ લાચાર માણસે પોકાર કર્યો અને યહોવાહે તે સાંભળીને તેને તેના સર્વ સંકટમાંથી બચાવ્યો.
[7] યહોવાહના ભક્તોની આસપાસ તેમનો દૂત છાવણી કરે છે અને તે તેમને સંકટમાંથી છોડાવે છે.
[8] અનુભવ કરો અને જુઓ કે યહોવાહ કેટલા ઉત્તમ છે; જે માણસ તેમના પર ભરોસો રાખે છે તે આશીર્વાદિત છે.
[9] યહોવાહના પસંદ કરાયેલા લોકો, તેમનો ભય રાખો; તેમનો ભય રાખનારાને કંઈ ખોટ પડતી નથી.
[10] સિંહનાં બચ્ચાંને તંગી પડે છે અને ભૂખ વેઠવી પડે છે; પણ જેઓ યહોવાહને શોધે છે તેઓને કોઈપણ સારા વાનાની ખોટ પડશે નહિ.
[11] આવો, મારાં બાળકો, મારું સાંભળો; હું તમને યહોવાહનો ભય રાખતાં શીખવીશ.
[12] કયો માણસ લાંબી જિંદગી ઇચ્છે છે? અને શુભ જોવાને માટે દીર્ઘાયુષ્ય ચાહે છે?
[13] તો દુષ્ટ બોલવાથી તારી જીભને અને જૂઠું બોલવાથી તારા હોઠોને અટકાવ.
[14] દુષ્ટતાથી દૂર રહે અને ભલું કર; શાંતિ શોધ અને તેની પાછળ લાગ.
[15] યહોવાહની દ્રષ્ટિ ન્યાયી પર છે અને તેઓના પોકાર પ્રત્યે તેમના કાન ઉઘાડા છે.
[16] જેઓ દુષ્ટતા કરે છે તેઓનું સ્મરણ પૃથ્વી ઉપરથી નાબૂદ કરવાને માટે યહોવાહનું મુખ તેઓની વિરુદ્ધ છે.
[17] ન્યાયીઓ પોકાર કરશે અને યહોવાહ તેઓનું સાંભળશે અને તેઓના સર્વ સંકટમાંથી તેઓને છોડાવશે.
[18] જેમનાં હૃદય ભાંગી ગયાં છે, તેમની પાસે યહોવાહ છે અને નમ્ર આત્માવાળાને તે બચાવે છે.
[19] ન્યાયી માણસના જીવનમાં ઘણા દુ:ખો આવે છે, પણ યહોવાહ તેને તે સર્વમાંથી વિજય અપાવે છે.
[20] તે તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે; તેઓમાંનું એકપણ ભાંગવામાં આવતું નથી.
[21] દુષ્ટો પોતાની જ દુષ્ટતાથી નાશ પામશે; જેઓ ન્યાયીઓને ધિક્કારે છે તેઓ દોષિત ઠરશે.
[22] યહોવાહ પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે; તેઓના પર ભરોસો રાખનારાઓમાંથી એકપણ દોષિત ઠરશે નહિ.