Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:36

[1] હે ઈશ્વર, જે કૃત્યો અમારા પિતૃઓના સમયમાં એટલે પુરાતન કાળમાં, તમે જે કામો કર્યાં હતાં, તે વિષે તેઓએ અમને કહ્યું છે તે અમે અમારા કાનોએ સાંભળ્યું છે.

[2] તમે તમારે હાથે વિદેશીઓને નસાડી મૂક્યા, અને તમે તમારા લોકોને વસાવ્યા; તમે વિદેશી લોકો પર દુઃખ લાવ્યા, પણ તમે અમારા લોકોને દેશમાં વસાવ્યા.

[3] તેઓએ પોતાની તલવાર વડે દેશને કબજે કર્યો નહોતો, વળી તેઓએ પોતાના ભુજ વડે પોતાનો બચાવ કર્યો નહોતો; પણ તમારા જમણા હાથે, તમારા ભુજે અને તમારા મુખના પ્રકાશે તેમને બચાવ્યા હતા, કેમ કે તમે તેઓ પર પ્રસન્ન હતા.

[4] તમે મારા ઈશ્વર તથા રાજા છો; તમે યાકૂબને વિજય ફરમાવો.

[5] તમારી સહાયતાથી અમે અમારા વૈરીઓને જમીનદોસ્ત કરી નાખીશું; તમારે નામે અમારી વિરુદ્ધ ઊઠનારને છૂંદી નાખીશું.

[6] કેમ કે હું મારા ધનુષ્ય પર ભરોસો રાખીશ નહિ, મારી તલવાર પણ મારો બચાવ કરી શકશે નહિ.

[7] પણ અમારા વૈરીઓથી તમે અમને બચાવ્યા છે અને જેઓ અમને ધિક્કારે છે તેઓને બદનામ કર્યા છે.

[8] આખો દિવસ અમે ઈશ્વરમાં બડાશ મારી છે અને અમે સદાકાળ તમારા નામની આભારસ્તુતિ કરીશું. સેલાહ.

[9] પણ હવે તમે અમને દૂર કર્યા છે અને શરમિંદા કર્યા છે અને અમારા સૈન્યોની સાથે તમે બહાર આવતા નથી.

[10] તમે શત્રુઓ આગળ અમારી પાસે પીઠ ફેરવાવો છો; અને જેઓ અમને ધિક્કારે છે તેઓ પોતાની મરજી પ્રમાણે અમને લૂંટે છે.

[11] તમે અમને કાપવાનાં ઘેટાંની જેમ બનાવી દીધા છે અને વિદેશીઓમાં અમને વિખેરી નાખ્યા છે.

[12] તમે તમારા લોકોને મફત વેચી દીધા છે; તેઓની કિંમતથી અમને કંઈ લાભ થતો નથી.

[13] અમારા પડોશીઓ આગળ તમે અમને નિંદારૂપ બનાવ્યા છે, અમારી આસપાસના લોકો સમક્ષ અમને હાંસીરૂપ તથા તિરસ્કારરૂપ બનાવ્યા છે.

[14] તમે અમને વિદેશીઓમાં કહાણીરૂપ અને લોકોમાં માથાં હલાવવાનું કારણ કરો છો.

[15] આખો દિવસ મારી આગળથી મારું અપમાન ખસતું નથી અને મારા મુખ પર થતી શરમિંદગીએ મને ઢાંકી દીધો છે.

[16] નિંદા તથા દુર્ભાષણ કરનાર બોલને લીધે અને શત્રુ તથા વેર વાળનારની દ્રષ્ટિને લીધે આવું થાય છે.

[17] આ બધું અમારા પર આવી પડ્યું છે; તોપણ અમે તમને વીસરી ગયા નથી અને તમારા કરાર પ્રતિ વિશ્વાસઘાતી બન્યા નથી.

[18] અમારું હૃદય તમારાથી પાછું હઠી ગયું નથી; અમારાં પગલાં તમારા માર્ગ પરથી અન્ય માર્ગે વળ્યાં નથી.

[19] તોપણ તમે અમને શિયાળવાંની જગ્યામાં કચડ્યા છે અને અમને મોતની છાયાથી ઢાંકી દીધા છે

[20] જો અમે અમારા ઈશ્વરનું નામ ભૂલી ગયા હોઈએ અથવા પારકા દેવોની તરફ અમારા હાથ ફેલાવ્યા હોય,

[21] તો શું ઈશ્વર તે શોધી ન કાઢત? કેમ કે તે હૃદયની ગુપ્ત વાતો જાણે છે.

[22] કેમ કે તમારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ; કાપવાના ઘેટાંની જેવા અમને ગણવામાં આવે છે.

[23] હે પ્રભુ, જાગો, તમે કેમ ઊંઘો છો? ઊઠો, અમને સદાને માટે દૂર ન કરો.

[24] તમે તમારું મુખ અમારાથી શા માટે અવળું ફેરવ્યું છે? અને અમારું સંકટ તથા અમારી સતાવણી કેમ વીસરી જાઓ છો?

[25] કેમ કે અમારો જીવ જમીન સુધી નમી ગયો છે; અને અમે પેટ ઘસડતા થયાં છીએ.

[26] અમને મદદ કરવાને ઊઠો અને તમારી કૃપાથી અમને છોડાવો.

ગીતશાસ્ત્ર — Chapters