Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:48

[1] યહોવાહનો આભાર માનો, તેમના નામને વિનંતિ કરો; તેમનાં કૃત્યો લોકોમાં પ્રસિદ્ધ કરો.

[2] તેમની આગળ ગાઓ, તેમનાં સ્તોત્ર ગાઓ; તેમનાં સર્વ આશ્ચર્યકારક કામોનું મનન કરો.

[3] તેમના પવિત્ર નામને લીધે તમે ગૌરવ અનુભવો; યહોવાહને શોધનારનાં હૃદય આનંદ પામો.

[4] યહોવાહને તથા તેમના સામર્થ્યને શોધો; સતત તેમની હાજરીનો અનુભવ કરો.

[5] તેમણે જે આશ્ચર્યકારક કામો કર્યાં છે, તે તથા તેમના ચમત્કારો અને તેમના મુખમાંથી નીકળતા ન્યાયચુકાદા યાદ રાખો.

[6] તેમના સેવક ઇબ્રાહિમના વંશજો, તમે યાકૂબના વંશજો છો, તેમના પસંદ કરેલા, તમે તેમને યાદ કરો.

[7] તે યહોવાહ, આપણા ઈશ્વર છે. આખી પૃથ્વીમાં તેમનાં ન્યાયનાં કૃત્યો પ્રસિદ્ધ છે.

[8] તે પોતાનો કરાર સર્વદા યાદ રાખે છે, હજાર પેઢીઓને આપેલું વચન પાળે છે.

[9] જે કરાર તેમણે ઇબ્રાહિમ સાથે કર્યો હતો અને ઇસહાક પ્રત્યેની પ્રતિજ્ઞા કરી હતી.

[10] તેમણે યાકૂબ માટેના નિયમ તરીકે તેનું સ્થાપન કર્યું તેને તેમણે ઇઝરાયલ માટે સર્વકાળનો કરાર બનાવ્યો.

[11] તેમણે કહ્યું, “આ કનાન દેશ હું તમને આપીશ તે સર્વદા તમારું પોતાનું વતન થશે.”

[12] તેમણે આમ પણ કહ્યું જ્યારે તેઓ અલ્પ સંખ્યામાં હતા, ત્યારે તેઓની વસ્તી ઘણી ઓછી હતી અને તેઓ દેશમાં પ્રવાસીઓ હતા.

[13] તેઓ એક દેશથી બીજે દેશ અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ફરતા.

[14] તેમણે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ; તેઓને લીધે તેમણે રાજાઓને શિક્ષા કરી.

[15] તેમણે કહ્યું, “મારા અભિષિક્તોને અડશો નહિ અને મારા પ્રબોધકોને નુકસાન પહોંચાડશો નહિ.”

[16] તેમણે કનાનની ભૂમિમાં દુકાળ આવવા દીધો; તેમણે અન્નનો આધાર તોડી નાખ્યો.

[17] તેમણે તેઓની પહેલાં યૂસફને કે જે ગુલામ તરીકે વેચાઈ ગયો હતો તેને મોકલ્યો.

[18] બંદીખાનામાં તેઓએ તેના પગોએ સાંકળો બાંધી અને તેઓએ લોખંડનાં બંધનો તેના ગળે બાંધ્યાં.

[19] યહોવાહના શબ્દે પુરવાર કર્યુ કે તે સાચો હતો, ત્યાં સુધી યૂસફ જેલમાં રહ્યો.

[20] રાજાએ માણસો મોકલીને તેને છોડાવ્યો; લોકોના અધિપતિઓએ તેનો છુટકારો કર્યો.

[21] તેણે તેને પોતાના મહેલનો કારભારી અને પોતાની સર્વ મિલકતનો વહીવટદાર ઠરાવ્યો.

[22] કે તે રાજકુમારોને નિયંત્રણમાં રાખે અને પોતાના વડીલોને ડહાપણ શીખવે.

[23] પછી ઇઝરાયલ મિસરમાં આવ્યો અને ત્યાં હામનાં દેશમાં યાકૂબે મુકામ કર્યો.

[24] ઈશ્વરે પોતાના લોકોને ઘણા આબાદ કર્યા અને તેમના દુશ્મનો કરતાં વધારે બળવાન કર્યા.

[25] તેમણે પોતાના લોકો પર દ્વ્રેષ રાખવાને તથા પોતાના સેવકોની સાથે કપટથી વર્તવાને તેઓની બુદ્ધિ ફેરવી નાખી.

[26] તેમણે પોતાના સેવક મૂસાને અને તેમના પસંદ કરેલા, હારુનને મોકલ્યા.

[27] તેઓએ મિસરના લોકોમાં તેમનાં ચિહ્નો બતાવ્યાં, વળી હામના દેશમાં ચમત્કારો પ્રગટ કર્યા.

[28] તેમણે પૃથ્વી પર ગાઢ અંધકાર મોકલ્યો, પણ તે લોકોએ તેમની વાતને માની નહિ.

[29] તેમણે તેઓનું પાણી લોહી કરી નાખ્યું અને તેઓનાં માછલાં મારી નાખ્યાં.

[30] તેઓના દેશ પર અસંખ્ય દેડકાં ચઢી આવ્યાં, હા, તેઓ છેક રાજમહેલના ઓરડા સુધી ભરાયાં.

[31] તે બોલ્યા અને માખીઓ તથા જૂનાં ટોળાં આવ્યાં અને તેઓના આખા દેશમાં ફેલાઈ ગયાં.

[32] તેમણે વરસાદ અને કરા મોકલ્યા, તેઓના દેશમાં ભડભડતો અગ્નિ સળગાવ્યો.

[33] તેમણે તેઓના દ્રાક્ષવેલાઓ તથા અંજીરીનાં ઝાડોનો નાશ કર્યો તેમણે તેઓના દેશનાં બધાં વૃક્ષો તોડી પાડ્યાં.

[34] તે બોલ્યા અને અગણિત, તીડો આવ્યા.

[35] તીડો તેઓના દેશની સર્વ વનસ્પતિ ખાઈ ગયાં; જમીનનાં બધાં ફળ ભક્ષ કરી ગયાં.

[36] તેઓના દેશમાંના સર્વ પ્રથમજનિતને મારી નાખ્યા, તેઓના મુખ્ય બળવાનોને તેમણે મારી નાખ્યા.

[37] તે ઇઝરાયલીઓને તેમના સોના તથા ચાંદી સાથે બહાર લાવ્યા; તેઓના કુળોમાં કોઈ પણ નિર્બળ ન હતું.

[38] જ્યારે તેઓ ગયા ત્યારે મિસરના લોકો આનંદ પામ્યા, કારણ કે મિસરના લોકો તેમનાથી ગભરાઈ ગયા હતા.

[39] તેમણે આચ્છાદનને માટે વાદળું પ્રસાર્યું અને રાત્રે પ્રકાશ આપવા માટે અગ્નિસ્તંભ આપ્યો.

[40] ઇઝરાયલીઓએ ખોરાક માગ્યો, તો તેમણે લાવરીઓ આપી અને આકાશમાંની રોટલીઓથી તેઓને તૃપ્ત કર્યા.

[41] તેમણે ખડક તોડ્યો એટલે ત્યાં પાણી નીકળ્યું; તે નદી થઈને સૂકી ભૂમિમાં વહેવા લાગ્યું.

[42] તેમણે પોતાના સેવક ઇબ્રાહિમને આપેલા પોતાના વચનનું સ્મરણ કર્યું.

[43] તે પોતાના લોકોને, પોતાના પસંદ કરેલાઓને, ખુશીથી પાછા લઈ આવ્યા.

[44] તેમણે તેઓને વિદેશીઓની ભૂમિ આપી; તે લોકોએ કરેલા શ્રમના ફળનો વારસો તેમને મળ્યો.

[45] કે જેથી તેઓ તેમના વિધિઓનું પાલન કરે અને તેમના નિયમોને પાળે. યહોવાહની સ્તુતિ કરો.

ગીતશાસ્ત્ર — Chapters