Skip to content
Opens in a new window
Listen to this chapter • 1:50

[1] મારો આત્મા શાંતિથી ઈશ્વરની રાહ જુએ છે; કેમ કે તેમનાથી મારો ઉદ્ધાર છે.

[2] તે એકલા જ મારો ખડક તથા મારા ઉદ્ધારક છે; તે મારો ગઢ છે; હું પડી જનાર નથી.

[3] જે માણસ નમી ગયેલી ભીંત કે ખસી ગયેલી વાડના જેવો છે, તેને મારી નાખવાને તમે સર્વ ક્યાં સુધી તેના પર હુમલો કરશો?

[4] તેઓ તેને તેના શ્રેષ્ઠ સ્થાનેથી નીચે પાડી નાખવા સલાહ લે છે; તેઓને જૂઠું બોલવું ગમે છે; તેઓ મુખેથી આશીર્વાદ આપે છે, પણ તેઓના હૃદયમાં તેઓ શાપ આપે છે.

[5] હે મારો આત્મા, તું શાંતિથી ઈશ્વરની રાહ જો; કેમ કે મારી આશા તેમના પર જ છે.

[6] તે એકલા જ મારા ખડક તથા મારા ઉદ્ધારક છે; તે મારા ગઢ છે; હું પડી જનાર નથી.

[7] ઈશ્વરમાં મારો ઉદ્ધાર તથા ગૌરવ છે; મારા સામર્થ્યનો ખડક તથા મારો આશ્રય ઈશ્વરમાં છે.

[8] હે લોકો, તમે સર્વ સમયે તેમના પર ભરોસો રાખો; તેમની આગળ તમારું હૃદય ખુલ્લું કરો; ઈશ્વર આપણો આશ્રય છે. સેલાહ

[9] નિશ્ચે નિમ્ન પંક્તિના માણસો વ્યર્થ છે અને ઉચ્ચ પંક્તિના માણસો જૂઠા છે; તોલતી વેળાએ તેઓનું પલ્લું ઊંચું જશે; તેઓ બધા મળીને હવા કરતાં હલકા છે.

[10] જુલમ અથવા લૂંટ પર ભરોસો કરશો નહિ; અને સમૃદ્ધિમાં નકામી આશા રાખશો નહિ, કેમ કે તેઓ ફળ આપશે નહિ; તેઓ પર મન ન લગાડો.

[11] ઈશ્વર એક વાર બોલ્યા છે, આ વાત મેં બે વાર સાંભળી છે: સામર્થ્ય ઈશ્વરનું જ છે.

[12] વળી, હે પ્રભુ, કૃપા પણ તમારી જ છે, કેમ કે તમે દરેક માણસને તેના કામ પ્રમાણે બદલો વાળી આપો છો.

ગીતશાસ્ત્ર — Chapters