Skip to content
Opens in a new window
Listen to this chapter • 1:59

[1] હું યહોવાહને પ્રેમ કરું છું કેમ કે તેમણે મારો અવાજ અને મારી વિનંતી સાંભળી છે.

[2] તેમણે મારી તરફ પોતાના કાન ધર્યા છે, મારા જીવનપર્યંત હું તેમની પ્રાર્થના કરીશ.

[3] મરણની જાળમાં હું સપડાઈ ગયો હતો અને મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં; મને સંકટ તથા શોક મળ્યાં હતાં.

[4] ત્યારે મેં યહોવાહના નામનો પોકાર કર્યો: “હે યહોવાહ, કૃપા કરીને મારા આત્માને છોડાવો.”

[5] યહોવાહ ન્યાયી તથા કૃપાળુ છે; આપણા ઈશ્વર ખરેખરા માયાળુ છે.

[6] યહોવાહ ભોળા માણસોનું રક્ષણ કરે છે; હું છેક લાચાર બની ગયો હતો અને તેમણે મને બચાવ્યો.

[7] હે મારા આત્મા, તારા વિશ્રામસ્થાનમાં પાછો આવ; કારણ કે યહોવાહ તારી સાથે ઉદારતાથી વર્ત્યા છે.

[8] કેમ કે તમે મારા પ્રાણને મૃત્યુથી, મારી આંખોને આંસુથી અને મારા પગોને લથડવાથી બચાવ્યા છે.

[9] હું જીવલોકમાં યહોવાહની સેવા કરવાનું ચાલુ રાખીશ.

[10] મને તેમનામાં વિશ્વાસ છે માટે હું આમ બોલું છું, “હું ઘણો દુઃખી થઈ ગયો છું.”

[11] મારા ગભરાટમાં મેં કહ્યું, “સર્વ માણસો જૂઠા છે.”

[12] હું યહોવાહના મારા પર થયેલા સર્વ ઉપકારોનો તેમને શો બદલો આપું?

[13] હું ઉદ્ધારનો પ્યાલો લઈને, યહોવાહના નામને વિનંતિ કરીશ.

[14] યહોવાહની આગળ મેં જે સંકલ્પો કર્યા છે, તે હું તેમના સર્વ લોકોની સમક્ષ પૂર્ણ કરીશ.

[15] યહોવાહની દ્રષ્ટિમાં તેમના ભક્તોનું મરણ કિંમતી છે.

[16] હે યહોવાહ, નિશ્ચે, હું તમારો સેવક છું; હું તમારો જ સેવક છું, તમારી સેવિકાનો દીકરો; તમે મારાં બંધન છોડ્યાં છે.

[17] હું તમારા માટે આભારસ્તુતિનાં અર્પણો ચઢાવીશ અને હું યહોવાહના નામે પોકારીશ.

[18] યહોવાહની સમક્ષ લીધેલા સંકલ્પો જે મેં તેમના સર્વ લોકોની સમક્ષ લીધા છે, તે પાળીશ.

[19] હે યરુશાલેમ, તારી અંદર, યહોવાહના ઘરનાં આંગણામાં યહોવાહની સ્તુતિ થાઓ.

ગીતશાસ્ત્ર — Chapters