[1] હે યહોવાહ, તમારા સામર્થ્યથી રાજા હર્ષ પામશે! તમે કરેલા ઉદ્ધારથી તે કેટલો બધો આનંદ કરશે!
[2] તમે તેને તેના હૃદયની ઇચ્છા પ્રમાણે આપ્યું છે તેના હોઠની અરજીનો ઇનકાર તમે કર્યો નથી.
[3] કારણ કે આશીર્વાદો લઈને તમે તેની સામે જાઓ છો; તમે ચોખ્ખા સોનાનો મુગટ તેના માથા પર મૂકો છો.
[4] તેણે તમારી પાસેથી જીવનદાન માગ્યું; તે તમે તેને આપ્યું; તમે તેને સર્વકાળ ટકે એવું આયુષ્ય આપ્યું.
[5] તમારા મહિમાથી તેને વિજય મળે છે; તમે તેને માન તથા મહિમા બક્ષો છો.
[6] કારણ કે તમે તેને સદાને માટે આશીર્વાદ આપો છો; તમે તેને તમારી સમક્ષ આનંદ પમાડો છો.
[7] કારણ કે રાજા યહોવાહ પર ભરોસો રાખે છે; તે પરાત્પરની કૃપાથી ડગશે નહિ.
[8] તારા સર્વ શત્રુઓ તારા હાથમાં આવશે; તારો જમણો હાથ તારા દ્વ્રેષીઓને શોધી કાઢશે.
[9] તું તારા ગુસ્સાના સમયે તેઓને બળતી ભઠ્ઠી જેવા કરી દેશે. યહોવાહ પોતાના કોપથી તેઓને ગળી જશે અને અગ્નિ તેઓને ભસ્મ કરી નાખશે.
[10] તમે પૃથ્વી પરના તેઓના પરિવારોનો વિનાશ કરશો; મનુષ્યોમાંથી તેમના વંશજો નાશ પામશે.
[11] કારણ કે તેઓએ તમારી વિરુદ્ધ દુષ્ટતા કરવાનું ધાર્યું છે; જેને તેઓ અમલમાં લાવી શકતા નથી, એવી યુક્તિ તેઓએ કલ્પી છે.
[12] તમે તમારી પાછળથી તેઓનાં મુખ સામે તૈયારી કરશો, ત્યારે તેઓને પાછા હઠી જવું પડશે.
[13] હે યહોવાહ, તમે પોતાને સામર્થ્યે ઊંચા થાઓ; અમે તમારા પરાક્રમનાં સ્તોત્ર ગાઈને સ્તવન કરીશું.