Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:35

[1] હું મારા સંપૂર્ણ હૃદયથી યહોવાહની આભારસ્તુતિ કરીશ; હું તમારાં સર્વ આશ્ચર્યકારક કૃત્યો જાહેર કરીશ.

[2] હું તમારામાં આનંદ પામીશ તથા ઉલ્લાસ કરીશ; હે પરાત્પર ઈશ્વર, હું તમારા નામનું સ્તોત્ર ગાઈશ.

[3] જ્યારે મારા શત્રુઓ પાછા ફરે છે, ત્યારે તમારી આગળ તેઓ ઠોકર ખાઈને નાશ પામે છે.

[4] કેમ કે તમે મારો હક તથા દાવો સિદ્ધ કર્યો છે; ન્યાયાસન પર બેસીને તમે સાચો ન્યાય કર્યો છે.

[5] તમે વિદેશીઓને ધમકાવ્યા છે, તમે દુષ્ટોનો નાશ કર્યો છે; તમે તેઓનું નામ સદાને માટે ભૂંસી નાખ્યું છે.

[6] શત્રુઓનો ખંડેરોની જેમ અંત આવશે તેઓ હંમેશને માટે નાશ પામ્યા છે. જે નગરો તમે પાયમાલ કર્યાં છે, તેમનું સ્મરણ પણ રહ્યું નથી.

[7] પણ યહોવાહ સદાકાળ રાજ કરશે; તેમણે ન્યાય કરવાને માટે પોતાનું આસન તૈયાર કર્યું છે.

[8] તે ન્યાયીપણાથી જગતનો ન્યાય કરશે. તે લોકોનો અદલ ઇનસાફ કરશે.

[9] વળી યહોવાહ હેરાન થયેલા લોકોને કિલ્લારૂપ થશે, તે સર્વ સંકટસમયે ગઢ થશે.

[10] જેઓ તમારું નામ જાણે છે, તેઓ તમારા પર ભરોસો રાખશે, કારણ કે, હે યહોવાહ, તમે તમારા શોધનારને તરછોડ્યા નથી.

[11] સિયોનના અધિકારી યહોવાહનાં સ્તુતિગાન ગાઓ; લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો.

[12] કેમ કે લોહીનો બદલો માગનાર ગરીબોનું સ્મરણ રાખે છે; તે તેમની અરજ ભૂલી જતા નથી.

[13] હે યહોવાહ, મારા પર દયા કરો; મોતના દ્વારથી મને ઉઠાડનાર, મારો દ્વ્રેષ કરનાર મને દુ:ખ દે છે, તે તમે જુઓ.

[14] સિયોનની દીકરીના દરવાજાઓમાં હું તમારાં પૂરેપૂરાં વખાણ કરું હું તમારા ઉદ્ધારમાં હર્ષ પામીશ.

[15] પોતે ખોદેલા ખાડામાં વિદેશીઓ પડ્યા છે; પોતે સંતાડી રાખેલા જાળમાં તેઓના પોતાના પગ સપડાયા છે.

[16] યહોવાહે પોતે પોતાની ઓળખાણ આપી છે; તેમણે ન્યાય કર્યો છે; દુષ્ટો પોતાના હાથના કામમાં પોતે ફસાઈ ગયા છે. સેલાહ

[17] દુષ્ટો, એટલે ઈશ્વરને ભૂલનાર સર્વ લોકો શેઓલમાં જશે.

[18] કેમ કે દરિદ્રીને હંમેશા ભૂલી જવામાં આવશે નહિ, ગરીબોની આશા હંમેશ માટે નિષ્ફળ જશે નહિ.

[19] હે યહોવાહ, ઊઠો; માણસને અમારા પર વિજયી ન થવા દો; તમારી સમક્ષ રાષ્ટ્રોનો ન્યાય થાય.

[20] હે યહોવાહ, તેઓને ભયભીત કરો; જેથી રાષ્ટ્રો જાણે કે તેઓ માણસો જ છે. સેલાહ.

ગીતશાસ્ત્ર — Chapters