Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:26

[1] હું ઈશ્વરની આગળ મારી વાણી પોકારીશ; હું મારી વાણીથી ઈશ્વરને પોકારીશ અને ઈશ્વર મારું સાંભળશે.

[2] મારા સંકટના દિવસે મેં પ્રભુને પોકાર્યા. મેં તેમની તરફ મારા હાથ ઊંચા રાખીને આખી રાત પ્રાર્થના કરી; મારા આત્માએ દિલાસો સ્વીકારવાની ના પાડી.

[3] હું ઈશ્વરનું સ્મરણ કરીને વ્યાકુળ થાઉં છું; હું તેમના વિષે વિચારું છું, તો હું મૂર્છિત થઈ જાઉં છું. સેલાહ.

[4] તમે મને મારી આંખો બંધ કરવા દેતા નથી; હું મુશ્કેલીમાં બોલી શકતો નહોતો.

[5] હું અગાઉના દિવસોનો, પૂર્વના ભૂતકાળનો વિચાર કરું છું.

[6] રાતના સમયે મારું ગાયેલું ગીત મને યાદ આવે છે. હું ઘણી ગંભીરતાથી વિચારું છું.

[7] શું પ્રભુ મને સર્વકાળને માટે તજી દેશે? શું તે ફરી પ્રસન્ન થશે નહિ?

[8] શું તેમની કૃપા સદાને માટે જતી રહી છે? શું તેમનું વચન સદાકાળ રદ જશે?

[9] અમારા પર કૃપા કરવાનું ઈશ્વર શું ભૂલી ગયા છે? શું તેમણે તેમની સહાનુભૂતિને કોપમાં બદલી નાખી છે? સેલાહ

[10] મેં કહ્યું, “આ તો મારું દુઃખ છે: પરાત્પરના જમણા હાથનાં વર્ષો હું સંભારીશ.”

[11] પણ હું યહોવાહનાં કૃત્યોનું સ્મરણ કરીશ; તમારા પુરાતન કાળના ચમત્કાર વિષે હું વિચાર કરીશ.

[12] હું તમારાં સર્વ કામોનું મનન કરીશ અને તમારાં કૃત્યો વિષે વિચાર કરીશ.

[13] હે ઈશ્વર, તમારા માર્ગો પવિત્ર છે, આપણા મહાન ઈશ્વર જેવા બીજા ઈશ્વર કોણ છે?

[14] તમે ચમત્કાર કરનાર ઈશ્વર છો; તમે લોકોમાં તમારું સામર્થ્ય પ્રગટ કર્યું છે.

[15] તમે તમારા મહાન પરાક્રમ વડે લોકોને, એટલે યાકૂબના તથા યૂસફના વંશજોને વિજય અપાવ્યો છે.

[16] હે ઈશ્વર, સાગરો તમને જોયા; સાગરો તમને જોઈને ગભરાયાં; ઊંડાણો પણ ધ્રૂજ્યાં.

[17] વાદળોએ પાણી વરસાવ્યાં; આકાશે ગર્જના કરી; તમારાં બાણો ચારેબાજુ ઊડ્યાં.

[18] તમારી ગર્જનાનો અવાજ વંટોળિયામાં હતો; વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું; પૃથ્વી કાંપી તથા હચમચી.

[19] તમારો માર્ગ તો સમુદ્રમાં અને તમારી વાટો મહાજળમાં હતી, પણ તમારાં પગલાં કોઈના જોવામાં આવ્યાં નહિ.

[20] તમે મૂસા તથા હારુનની મારફતે તમારા લોકોને ઘેટાંનાં ટોળાંની જેમ દોર્યા.

ગીતશાસ્ત્ર — Chapters