Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:09

[1] હે ઈશ્વર, તમે છાના ન રહો! હે ઈશ્વર, અમારી અવગણના ના કરશો અને સ્થિર રહો.

[2] જુઓ, તમારા શત્રુઓ હુલ્લડ મચાવે છે અને જેઓ તમને ધિક્કારે છે તેમણે તમારી સામે માથું ઊંચું કર્યું છે.

[3] તેઓ તમારા લોકો વિરુદ્ધ કપટભરી યોજનાઓ કરે છે અને તમારા લોક જેઓ તમને મૂલ્યવાન છે, તેઓની વિરુદ્ધ પ્રપંચ રચે છે.

[4] તેઓએ કહ્યું છે, “ચાલો, પ્રજા તરીકેના તેમના અસ્તિત્વનો આપણે સંપૂર્ણ નાશ કરીએ. જેથી ઇઝરાયલના નામનું સ્મરણ હવે પછી કદી રહે નહિ.”

[5] તેઓએ એકસાથે મસલત કરી છે; તેઓ તમારી વિરુદ્ધ કરાર કરે છે.

[6] તંબુમાં રહેનાર અદોમીઓ, ઇશ્માએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ,

[7] ગબાલ, આમ્મોન, અમાલેક; તૂર દેશના લોકો અને પલિસ્તીઓ પણ કરાર કરે છે.

[8] તેઓની સાથે આશ્શૂર પણ સામેલ થાય છે; તેઓએ લોતના વંશજોને સહાય કરી છે. સેલાહ

[9] તમે જે મિદ્યાન સાથે કર્યું, જેમ કીશોન નદી પર સીસરા તથા યાબીન સાથે કર્યું, તેમ તેઓની સાથે કરો.

[10] એન-દોરમાં તેઓ નાશ પામ્યા અને ભૂમિના ખાતર જેવા થઈ ગયા.

[11] તેઓના સરદારોને ઓરેબ તથા ઝએબના જેવા અને તેઓના સર્વ રાજકુમારોને ઝેબાહ તથા સાલ્મુન્ના જેવા કરો.

[12] તેઓએ કહ્યું, “ચાલો આપણે પોતાને માટે ઈશ્વરના નિવાસસ્થાનને પ્રાપ્ત કરીએ.”

[13] હે મારા ઈશ્વર, તેઓને વંટોળિયાની ધૂળ જેવા, પવનથી ઊડતાં ફોતરાં જેવા કરો.

[14] જેમ અગ્નિ જંગલોને ભસ્મ કરે છે અને આગ પર્વતોને સળગાવે તેમ વિનાશ કરો.

[15] તમારા વંટોળિયાઓથી અને તમારા તોફાનોથી તેમનો પીછો કરો અને તેમને ત્રાસ પમાડો.

[16] બદનામીથી તેઓ પોતાનાં મુખ સંતાડે કે જેથી, હે યહોવાહ, તેઓ તમારું નામ શોધે.

[17] તેઓ હંમેશા લજ્જિત થાઓ અને ગૂંચવાઈ જાઓ; તેઓ અપમાનિત થાઓ અને નાશ પામો.

[18] જેથી તેઓ જાણે કે તમે એકલા જ યહોવાહ છો, તમે એકલા જ સમગ્ર પૃથ્વી પર પરાત્પર ઈશ્વર છો.

ગીતશાસ્ત્ર — Chapters