Skip to content
Opens in a new window
Listen to this chapter • 1:44

[1] જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે, તે આશીર્વાદિત છે.

[2] જેને યહોવાહ દોષિત ગણતા નથી અને જેના આત્મામાં કંઈ કપટ નથી, તે આશીર્વાદિત છે.

[3] જ્યારે હું છાનો રહ્યો, ત્યારે આખો દિવસ છાના રુદનથી મારાં હાડકાં જીર્ણ થયાં.

[4] કેમ કે રાતદિવસ તમારો હાથ મારા પર ભારે હતો. જેમ ઉનાળાંની ગરમીમાં જળ સુકાઈ જાય છે, તેમ મારી શક્તિ હણાઈ ગઈ હતી. સેલાહ

[5] મેં મારાં પાપ તમારી સમક્ષ કબૂલ કર્યાં અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી. મેં કહ્યું, “હું મારાં પાપો યહોવાહ સમક્ષ કબૂલ કરીશ.” અને તમે મારાં પાપોની ક્ષમા આપી. સેલાહ

[6] તે માટે જરૂરના સમયે દરેક ભક્ત તમારી પ્રાર્થના કરે. પછી જ્યારે ઘણા પાણીની રેલ ચઢે, ત્યારે તે તેને પહોંચશે નહિ.

[7] તમે મારી સંતાવાની જગ્યા છો; તમે મને મારા સંકટમાંથી ઉગારશો. તમે મારી આસપાસ વિજયનાં ગીતો ગવડાવશો. સેલાહ

[8] કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ. મારી નજર હું તારા પર રાખીને તને બોધ આપીશ.

[9] ઘોડા તથા ખચ્ચર જેને કંઈ સમજણ નથી, જેને કાબૂમાં રાખવા માટે ચોકડા તથા લગામની જરૂર છે, નહિ તો તું જ્યાં લઈ જવા ચાહે ત્યાં તેઓ આવી ન શકે, માટે તેઓના જેવો અણસમજુ ન થા.

[10] દુષ્ટોને ઘણી તકલીફો સહન કરવી પડે છે પણ જેઓ યહોવાહ પર ભરોસો રાખે છે, તેઓ તો તેમની કૃપાથી ઘેરાશે.

[11] હે ન્યાયીઓ, યહોવાહમાં આનંદ કરો તથા હરખાઓ; હે શુદ્ધ હૃદયના માણસો, તમે સર્વ હર્ષના પોકાર કરો.

ગીતશાસ્ત્ર — Chapters