Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:12

[1] હે ઈશ્વર, પેઢી દરપેઢી તમે અમારું નિવાસસ્થાન થયા છો.

[2] પર્વતો ઉત્પન્ન થયા હતા, અને તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં, તે પહેલાંથી, એટલે અનાદિકાળથી તે અનંતકાળ સુધી, તમે ઈશ્વર છો.

[3] તમે મનુષ્યોને ધૂળમાં પાછા મેળવી દો છો અને તમે કહો છો, “હે મનુષ્યપુત્રો પાછા ફરો.”

[4] કારણ કે તમારી દ્રષ્ટિમાં હજાર વર્ષો વીતી ગયેલી કાલના જેવાં છે અને રાતના એક પહોર જેવાં છે.

[5] તમે તેઓને પૂરની જેમ તાણી જાઓ છો અને તેઓ નિંદ્રા જેવાં છે; તેઓ સવારમાં ઊગતાં ઘાસ જેવા છે.

[6] તે સવારે ખીલે છે અને વધે છે; સાંજે સુકાઈ જાય છે અને ચીમળાય છે.

[7] ખરેખર, તમારા કોપથી અમારો નાશ થાય છે અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે.

[8] તમે અમારા અન્યાય તમારી સમક્ષ, અમારાં ગુપ્ત પાપો તમારા મુખના પ્રકાશમાં મૂક્યાં છે.

[9] તમારા રોષમાં અમારા સર્વ દિવસો વીતી જાય છે; નિસાસાની જેમ અમે અમારા વર્ષો પૂરાં કરીએ છીએ.

[10] અમારી ઉંમરના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ એંસી વર્ષ થાય; પણ તેઓનો ગર્વ, શ્રમ તથા દુ:ખમાત્ર છે. હા, તે ઝડપથી પસાર થઈ જાય છે અને અમે ઊડી જઈએ છીએ.

[11] તમારા ક્રોધના બળને તથા તમારો રોષ ધ્યાનમાં લઈને તે પ્રમાણે તમારી બીક રાખવી તે કોણ જાણે છે?

[12] તમે અમને અમારું જીવન એવી રીતે ગણવાને શીખવો કે જેથી અમને ડહાપણવાળું હૃદય પ્રાપ્ત થાય.

[13] હે યહોવાહ, પાછા આવો; ક્યાં સુધી? તમારા સેવકો પર કરુણા કરો.

[14] સવારે અમને તમારી કૃપાથી ભરી દો, કે જેથી અમે અમારા સર્વ દિવસો હર્ષ તથા આનંદમાં ગુજારીએ.

[15] જે દિવસોમાં તમે અમને દુઃખી કર્યા છે અને જે વર્ષોમાં અમે પીડા ભોગવી છે, તે પ્રમાણે અમને આનંદ પમાડો.

[16] તમારા સેવકોને તમારાં કૃત્યો અને તેઓના દીકરાઓ પર તમારો મહિમા દેખાઓ.

[17] અમારા પર અમારા પ્રભુ ઈશ્વરની કૃપા થાઓ; તમે અમારા હાથનાં કામ અમારે માટે સ્થાપન કરો; હા, અમારા હાથનાં કામ તમે સ્થાપન કરો.

ગીતશાસ્ત્ર — Chapters