Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:14

[1] ઈશ્વર ઊઠો; તેમના શત્રુઓ વિખેરાઈ જાઓ; તેમને ધિક્કારનારા સર્વ લોકો પણ તેમની આગળથી નાસી જાઓ.

[2] તેઓને ધુમાડાની જેમ ઉડાવી નાખો, જેમ મીણ અગ્નિથી ઓગળી જાય છે, તેમ દુષ્ટો ઈશ્વરની આગળ નાશ પામો.

[3] પણ ન્યાયીઓ આનંદ કરો; તેઓ ઈશ્વરની આગળ હર્ષ પામો; તેઓ આનંદ કરો અને હર્ષ પામો.

[4] ઈશ્વરની સમક્ષ ગાઓ, તેમના નામનાં સ્તુતિગાન કરો; એમના માટે રાજમાર્ગ બનાવો જે યર્દન નદીની ખીણના મેદાનોમાં થઈને સવારી કરે છે; તેમનું નામ યહોવાહ છે; તેમની સમક્ષ આનંદ કરો.

[5] અનાથોના પિતા અને વિધવાઓના રક્ષણહાર, એવા ઈશ્વર પોતાના પવિત્રસ્થાનમાં છે.

[6] ઈશ્વર એકલા માણસોને કુટુંબવાળા બનાવે છે; તે કેદીઓને બંધનમાંથી છોડાવીને સમૃદ્ધિવાન કરે છે; પણ બંડખોરો સૂકા અને વેરાન પ્રદેશમાં રહે છે.

[7] હે ઈશ્વર, જ્યારે તમે લોકોની આગળ આગળ ચાલ્યા, જ્યારે અરણ્યમાં થઈને તમે કૂચ કરી, સેલાહ

[8] ત્યારે પૃથ્વી કાંપી; વળી ઈશ્વરની આગળ આકાશમાંથી વરસાદ વરસ્યો, ઈશ્વર, ઇઝરાયલના ઈશ્વરની આગળ સિનાઈ પર્વત કાંપ્યો.

[9] હે ઈશ્વર, તમે પુષ્કળ વરસાદ વરસાવ્યો; જ્યારે તમારું વતન નિર્બળ થયું હતું, ત્યારે તમે તેને બળવાન કર્યું.

[10] તમારા લોકો તેમાં રહે છે; હે ઈશ્વર, તમે ગરીબો ઉપર ઉપકાર કરીને તેમની ભૂખ ભાંગી.

[11] પ્રભુ હુકમ આપે છે અને તેઓને ખબર આપનાર એક મહાન સૈન્ય હતું.

[12] રાજાઓનું સૈન્ય નાસે છે, તેઓ દોડી જાય છે અને સ્ત્રીઓ ઘરમાં બેસીને લૂંટ વહેંચવાની રાહ જુએ છે:

[13] જ્યારે તમે ઘેટાંના વાડામાં સૂઈ રહેશો, ત્યારે જેની પાંખે ચાંદીનો ઢોળ અને પીંછાએ કેસરી સોનાનો ઢોળ ચઢાવેલો હોય, એવા સૂતેલા કબૂતરનાં જેવા લાગશો.

[14] જ્યારે સર્વસમર્થે ત્યાં રાજાઓને વિખેરી નાખ્યા, ત્યારે સાલ્મોનના પર્વત પર હિમ પડ્યા જેવું થયું.

[15] એક શક્તિશાળી પર્વત બાશાનનો પહાડી દેશ છે; બાશાનનો પર્વત ઘણા શિખરોવાળો છે.

[16] અરે શિખરવાળા પર્વતો, ઈશ્વરે રહેવાને માટે જે પર્વત પસંદ કર્યો છે, તેને તમે વક્ર દ્રષ્ટિએ કેમ જુઓ છો? નિશ્ચે યહોવાહ ત્યાં સદાકાળ રહેશે.

[17] ઈશ્વરના રથો વીસ હજાર છે, લાખોલાખ છે; જેમ તે સિનાઈના પવિત્રસ્થાનમાં છે, તેમ પ્રભુ તેઓમાં છે.

[18] તમે ઉચ્ચસ્થાનમાં ગયા છો; તમે બંદીવાનોને લઈને આવ્યા; તમે માણસો પાસેથી ભેટો લીધી, એ લોકો પાસેથી પણ જેઓ તમારી વિરુદ્ધ હતા, કે જેથી યહોવાહ ઈશ્વર ત્યાં રહે.

[19] પ્રભુની સ્તુતિ થાઓ, કે જે રોજ આપણો બોજો ઊંચકી લે છે, તે આપણા ઉદ્ધારના ઈશ્વર છે. સેલાહ

[20] ઈશ્વર એ આપણા ઈશ્વર છે જેમણે આપણને બચાવ્યા; મરણથી છૂટવાના માર્ગો પ્રભુ યહોવાહ પાસે છે.

[21] પણ ઈશ્વર પોતાના શત્રુઓનાં માથાં ફોડી નાખશે, પાપમાં રચ્યાપચ્યા રહેનારની કેશવાળી ખોપરી તે ફોડી નાખશે.

[22] પ્રભુએ કહ્યું, “હે મારા લોકો, હું તમને બાશાનથી પાછા લાવીશ, હું સમુદ્રના ઊંડાણોમાંથી તમને પાછા લાવીશ.

[23] કે જેથી તું તારા શત્રુઓને શાપ આપે અને તેમના લોહીમાં તારો પગ બોળે અને જેથી તારા કૂતરાઓની જીભને તારા શત્રુઓનો ભાગ મળે.”

[24] હે ઈશ્વર, તેઓએ તમારી સવારી જોઈ છે, મારા ઈશ્વર, મારા રાજાના પવિત્રસ્થાનની સવારી તેઓએ જોઈ છે.

[25] આગળ ગાયકો ચાલતા હતા, પાછળ વાજાં વગાડનારા ચાલતા હતા અને તેઓની વચમાં ખંજરી વગાડનારી કન્યાઓ ચાલતી હતી.

[26] હે ભક્તમંડળ, તમે ઈશ્વરની સ્તુતિ કરો; ઇઝરાયલના વંશજો તમે યહોવાહની સ્તુતિ કરો.

[27] પ્રથમ ત્યાં બિન્યામીનનું નાનું કુળ આગેવાની આપે છે, પછી યહૂદાના આગેવાનો અને તેઓની સભા, ત્યારબાદ ઝબુલોનના આગેવાનો અને નફતાલીના આગેવાનો પણ ત્યાં છે.

[28] તમારા ઈશ્વરે તમારું બળ સર્જ્યું છે; હે ઈશ્વર, જેમ ભૂતકાળમાં તમે તમારું સામર્થ્ય પ્રગટ કર્યું હતું તેમ અમને તમારું સામર્થ્ય પ્રગટ કરો.

[29] કેમ કે યરુશાલેમના તમારા ઘરમાં રાજાઓ તમારી પાસે ભેટો લાવશે.

[30] સરકટોમાં રહેનાર વન્ય પ્રાણીઓને ધમકાવો, બળદોનાં ટોળાં તથા વાછરડાં જેવા લોકોને પણ ઠપકો આપો. જે લોકો વિજયી થવા ચાહે છે, તેઓને તમારા પગ નીચે કચડી નાખો; જે લોકો યુદ્ધમાં રાજી હોય છે, તેઓને તમે વિખેરી નાખો.

[31] મિસરમાંથી રાજકુમારો આવશે; કૂશના લોકો જલદી ઈશ્વર આગળ હાથ જોડશે.

[32] હે પૃથ્વીના રાજ્યો, તમે ઈશ્વર માટે ગાઓ; સેલાહ યહોવાહનું સ્તવન કરો.

[33] પુરાતન કાળનાં આકાશોનાં આકાશ પર સવારી કરનારનું સ્તવન કરો; જુઓ, તે પોતાની સામર્થ્યવાન વાણી કાઢે છે.

[34] પરાક્રમ કેવળ ઈશ્વરનું છે; તેમની સત્તા ઇઝરાયલ પર છે અને તેમનું સામર્થ્ય આકાશોમાં છે.

[35] હે ઈશ્વર, તમે તમારાં પવિત્રસ્થાનોમાં અતિ ભયાવહ છો; ઇઝરાયલના ઈશ્વર પોતાના લોકોને સામર્થ્ય તથા બળ આપે છે. ઈશ્વરની સ્તુતિ થાઓ.

ગીતશાસ્ત્ર — Chapters