Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:01

[1] ઈશ્વર જે આપણું સામર્થ્ય છે, તેમની સમક્ષ મોટેથી ગાઓ; યાકૂબના ઈશ્વર સમક્ષ હર્ષનાદ કરો.

[2] ગીત ગાઓ અને ઢોલક વગાડો, સિતાર અને મધુર વીણા સાથે વગાડો.

[3] ચંદ્રદર્શન તેમ જ પૂનમના દિવસે એટલે આપણા પવિત્ર પર્વને દિવસે, રણશિંગડું વગાડો.

[4] કેમ કે એમ કરવું એ ઇઝરાયલને માટે વિધિ છે, તે યાકૂબના ઈશ્વરનો હુકમ છે.

[5] જ્યારે તે મિસર દેશની સામે નીકળ્યા ત્યારે તેમણે યૂસફમાં એ સાક્ષી ઠરાવી; હું ઓળખતો નહોતો એવાની વાણી મેં ત્યાં સાંભળી,

[6] “મેં તમારા ખભાનો ભાર ઉતાર્યો; તેના હાથ વજનદાર ટોપલાથી મુક્ત થયા.

[7] સંકટમાં તમે મને પોકાર કર્યો, તેથી મેં તમને છોડાવ્યા; ગુપ્તસ્થાનમાંથી ગર્જના દ્વારા મેં તમને પ્રત્યુત્તર આપ્યો. મરીબાહનાં પાણી આગળ મેં તારી પરીક્ષા કરી. સેલાહ.

[8] હે મારા લોકો, સાંભળો, કેમ કે આ મારી ચેતવણી છે, હે ઇઝરાયલ, જો તમે મારું સાંભળો, તો કેવું સારું!

[9] તારામાં કોઈ અન્ય દેવ ન હોવો જોઈએ; તું કોઈ પારકા દેવની પૂજા કરીશ નહિ.

[10] તને મિસર દેશમાંથી બહાર કાઢી લાવનાર તારો ઈશ્વર યહોવાહ હું છું. તારું મુખ ઉઘાડ અને હું તેને ભરી દઈશ.

[11] પણ મારા લોકોએ મારી વાણી સાંભળી નહિ; ઇઝરાયલે મારો આદર કર્યો નહિ.

[12] તેથી મેં તેઓને તેઓનાં હૃદયની હઠ પ્રમાણે ચાલવા દીધા કે જેથી તેઓ પોતાની યોજનાઓ પ્રમાણે વર્તે.

[13] મારા લોકો મારું સાંભળે અને મારા લોકો મારા માર્ગોમાં ચાલે, તો કેવું સારું!

[14] તો હું તેઓના શત્રુઓને પરાજિત કરું અને તેઓના વૈરીઓ વિરુદ્ધ મારો હાથ ઉપાડું.

[15] જેઓ યહોવાહને ધિક્કારે છે તેઓ તેમની સામે ભયથી સંકોચાશે! તેઓનું અપમાન સદાને માટે રહેશે.

[16] હું શ્રેષ્ઠ ઘઉંથી તેઓને તૃપ્ત કરીશ; ખડકમાંના મધથી હું તને સંતોષ પમાડીશ.”

ગીતશાસ્ત્ર — Chapters