Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:52

[1] મેં ધીરજથી યહોવાહની રાહ જોઈ; તેમણે મારી વિનંતી સાંભળી અને મને ઉત્તર આપ્યો.

[2] તેમણે મને નાશના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો અને તેમણે મારા પગ ખડક પર ગોઠવ્યા અને મારાં પગલાં સ્થિર કર્યાં.

[3] તેમણે આપણા ઈશ્વરનું સ્તોત્ર, મારા મુખમાં મૂક્યું છે. ઘણા તે જોશે અને બીશે અને યહોવાહ પર ભરોસો રાખશે.

[4] જે માણસ યહોવાહ પર ભરોસો રાખે છે અને અહંકારીને તથા સત્ય માર્ગથી ફરી જનાર જૂઠાને ગણકારતો નથી, તે આશીર્વાદિત છે.

[5] હે યહોવાહ મારા ઈશ્વર, તમે અમારા માટે આશ્ચર્યકારક કાર્યો કર્યાં છે અને અમારા સંબંધી તમારા જે વિચારો છે તે એટલા બધા છે કે તેઓને તમારી આગળ અનુક્રમે ગણી શકાય પણ નહિ; જો હું તેઓને જાહેર કરીને તેઓ વિષે બોલું, તો તેઓ ગણતરીમાં અસંખ્ય છે.

[6] તમને યજ્ઞ તથા ખાદ્યાર્પણની અપેક્ષા નથી, પણ તમે મારા કાન ઉઘાડ્યાં છે; તમે દહનીયાર્પણ અથવા પાપાર્થાર્પણ માગ્યાં નથી.

[7] પછી મેં કહ્યું, “જુઓ, હું આવ્યો છું; પુસ્તકના ઓળિયામાં મારા વિષે લખેલું છે.

[8] હે મારા ઈશ્વર, તમારી ઇચ્છાનુસાર કરવાને માટે હું રાજી છું.”

[9] ભરી સભામાં મેં તમારા ન્યાયપણાની જાહેરાત કરી છે; હે યહોવાહ, તે તમે જાણો છો.

[10] મેં મારા હૃદયમાં તમારું ન્યાયીપણું સંતાડી રાખ્યું નથી; મેં તમારું વિશ્વાસુપણું તથા ઉદ્ધાર પ્રગટ કર્યો છે; તમારી કૃપા તથા સત્યતા મેં જાહેર સભામાં છુપાવી નથી.

[11] હે યહોવાહ, તમારી કૃપાદ્રષ્ટિ મારાથી પાછી ન રાખશો; તમારી કૃપા તથા સત્યતા નિરંતર મારું રક્ષણ કરો.

[12] કારણ કે અગણિત દુષ્ટોએ મને ઘેરી લીધો છે; મારા અન્યાયોએ મને પકડી પાડ્યો છે, તેથી હું ઊંચું જોઈ શકતો નથી; તેઓ મારા માથાના વાળ કરતાં પણ વધારે છે અને મારું હૃદય નિર્બળ થયું છે.

[13] હે યહોવાહ, કૃપા કરીને મને છોડાવો; હે યહોવાહ, મને સહાય કરવાને ઉતાવળ કરો.

[14] જેઓ મારી પાછળ પડીને મારા આત્માનો નાશ કરવા મથે છે તેઓ સર્વ ફજેત થાઓ અને ત્રાસ પામો. જેઓને મારા નુકસાનથી સંતોષ થાય છે, તેઓ પાછા હઠો અને બદનામ થાઓ.

[15] જેઓ મને કહે છે કે, “આહા, આહા.” તેઓ પોતાની શરમભરેલી ચાલના બદલામાં પાયમાલ થાઓ.

[16] પણ જે સર્વ તમને શોધે છે તેઓ તમારાથી હર્ષ પામો અને તમારામાં આનંદ કરો; જેઓ તમારા દ્વારા ઉદ્ધાર ચાહે છે તેઓ નિરંતર કહો, “યહોવાહ મોટા મનાઓ.”

[17] હું દીન તથા દરિદ્રી છું; પ્રભુ મારી ચિંતા કરશે. તમે મારા સહાયકારી તથા મારા છોડાવનાર છો; હે મારા ઈશ્વર, તમે વિલંબ ન કરો.

ગીતશાસ્ત્ર — Chapters