Skip to content
Opens in a new window
Listen to this chapter • 1:59

[1] હે યહોવાહ, અમોને નહિ, અમોને નહિ, કેમ કે તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણાને લીધે, તમારું નામ મહિમાવાન મનાઓ,

[2] પ્રજાઓ શા માટે કહે છે, “તેઓના ઈશ્વર ક્યાં છે?”

[3] અમારા ઈશ્વર સ્વર્ગમાં છે; જે તેમણે ઇચ્છ્યું તે સર્વ તેમણે કર્યું.

[4] તેઓની મૂર્તિઓ સોના તથા ચાંદીની જ છે, તેઓ માણસોના હાથનું કામ છે.

[5] તેઓને મુખ છે, પણ તેઓ બોલી શકતી નથી; તેઓને આંખો છે, પણ તેઓ જોઈ શકતી નથી;

[6] તેઓને કાન છે, પણ તેઓ સાંભળી શકતી નથી; તેઓને નાક છે, પણ તેઓ સૂંઘી શકતી નથી.

[7] તેઓને હાથ છે, પણ તેમનો ઉપયોગ કરી શકતી નથી; તેઓને પગ છે, પણ તે ચાલી શકતી નથી; વળી તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતી નથી.

[8] તેઓના બનાવનારા અને તેઓના પર ભરોસો રાખનારા સર્વ તેઓના જેવા છે.

[9] હે ઇઝરાયલ, યહોવાહ પર ભરોસો રાખ; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.

[10] હારુનનું કુટુંબ, યહોવાહ પર ભરોસો રાખો; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.

[11] હે યહોવાહના ભક્તો, તેમના પર ભરોસો રાખો; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.

[12] યહોવાહે આપણને સંભાર્યા છે અને તે આપણને આશીર્વાદ આપશે; તે ઇઝરાયલના પરિવારને અને હારુનના પરિવારને આશીર્વાદ આપશે.

[13] જે યહોવાહને માન આપે છે, તેવાં નાનાં કે મોટાં બન્નેને તે આશીર્વાદ આપશે.

[14] યહોવાહ તમારી તેમ જ તમારા વંશજોની વૃદ્ધિ કર્યા કરશે.

[15] તમે આકાશ અને પૃથ્વીના ઉત્પન્નકર્તા, યહોવાહના આશીર્વાદ પામ્યા છો.

[16] આકાશો યહોવાહનાં છે; પણ પૃથ્વી તેમણે માણસોને આપી છે.

[17] મૃત્યુ પામેલાઓ અથવા કબરમાં ઊતરનારા તેઓમાંનું કોઈ યહોવાહની સ્તુતિ કરતું નથી.

[18] પણ અમે આજથી તે સર્વકાળ સુધી યહોવાહની સ્તુતિ કરીશું. યહોવાહની સ્તુતિ થાઓ.

ગીતશાસ્ત્ર — Chapters