[1] હે ઈશ્વર, મેં મારું હૃદય દૃઢ કર્યું છે; હું મારા અંતઃકરણથી ગીત ગાઈશ અને સ્તુતિ કરીશ.
[2] વીણા, સિતાર, જાગો; હું જાતે પરોઢિયાને જગાડીશ.
[3] હે યહોવાહ, હું લોકોમાં તમારો આભાર માનીશ; પ્રજાઓમાં હું તમારાં સ્તોત્ર ગાઈશ.
[4] કારણ કે તમારી કૃપા આકાશો કરતાં ઊંચી છે; અને તમારું વિશ્વાસુપણું આભ સુધી પહોંચે છે.
[5] હે ઈશ્વર, તમે આકાશો કરતાં ઊંચા મનાઓ અને તમારું ગૌરવ આખી પૃથ્વી કરતાં ઊંચું મનાઓ.
[6] કે જેથી જેઓ તમને પ્રેમ કરે છે તેઓનો છૂટકો થાય, તમારા જમણા હાથથી અમને છોડાવો અને ઉત્તર આપો.
[7] ઈશ્વર પોતાની પવિત્રતાએ બોલ્યા છે; “હું હરખાઈશ; હું શખેમના ભાગ કરીશ અને સુક્કોથની ખીણ વહેંચી આપીશ.
[8] ગિલ્યાદ મારું છે અને મનાશ્શા મારું છે; એફ્રાઇમ મારા માથાનો ટોપ છે; યહૂદિયા મારો રાજદંડ છે.
[9] મોઆબ મારા હાથ ધોવાનો કૂંડ છે; અદોમ ઉપર હું મારાં પગરખાં ફેંકીશ; પલિસ્તીઓને કારણે હું વિજયમાં આનંદ કરીશ.
[10] મને કોટબંધ નગરમાં કોણ લઈ જશે? મને અદોમમાં કોણ દોરી જશે?”
[11] હે ઈશ્વર, શું તમે અમને તરછોડ્યા નથી? તમે અમારા સૈન્યોની સાથે બહાર આવતા નથી.
[12] અમને અમારા શત્રુઓ સામે મદદ કરો, કેમ કે માણસની મદદ તો મિથ્યા છે.
[13] અમે ઈશ્વરની સહાયથી પરાક્રમો કરીશું; તે જ અમારા શત્રુઓને કચડી નાખશે.