Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:20

[1] હે યહોવાહ, સાંભળીને મને ઉત્તર આપો, કારણ કે હું દીન તથા દરિદ્રી છું.

[2] મારું રક્ષણ કરો, કેમ કે હું વફાદાર છું; હે મારા ઈશ્વર, તમારા પર ભરોસો રાખનાર તમારા સેવકને બચાવો.

[3] હે પ્રભુ, મારા પર દયા કરો, કારણ કે આખો દિવસ હું તમને અરજ કરું છું.

[4] તમારા સેવકને આનંદ આપો, કેમ કે, હે પ્રભુ, હું તમારા પર મારું અંતઃકરણ લગાડું છું.

[5] હે પ્રભુ, તમે ઉત્તમ અને ક્ષમા કરનાર છો અને સહાયને માટે તમને પ્રાર્થના કરનારા પર તમે ઘણા કૃપાળુ છો.

[6] હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; મારી વિનંતી સાંભળો.

[7] મારા સંકટના સમયે હું તમને પોકાર કરીશ, કેમ કે તમે મને ઉત્તર આપશો.

[8] હે પ્રભુ, દેવોમાં તમારા જેવો કોઈ નથી. તમારા જેવા પરાક્રમો કોઈનાં નથી.

[9] હે પ્રભુ, જે સર્વ પ્રજાઓને તમે ઉત્પન્ન કરી છે, તેઓ આવીને તમારી આગળ નમશે. તેઓ તમારા નામનો મહિમા ગાશે.

[10] કારણ કે તમે મહાન છો અને અદ્દભુત કાર્યો કરનાર છો; તમે જ એકલા ઈશ્વર છો.

[11] હે યહોવાહ, તમે તમારા માર્ગ શીખવો. પછી હું તમારા સત્ય માર્ગ પર ચાલીશ. તમારો આદર કરવાને મારા હૃદયને એકાગ્ર કરો.

[12] હે પ્રભુ, મારા ઈશ્વર, મારા પૂરા હૃદયથી હું તમારી સ્તુતિ કરીશ; હું તમારા નામને સર્વદા મહિમા આપીશ.

[13] કારણ કે મારા પર તમારી કૃપા પુષ્કળ છે; તમે શેઓલનાં ઊંડાણથી મારી રક્ષા કરી છે.

[14] હે ઈશ્વર, ઘમંડી માણસો મારી સામા ઊઠ્યા છે. અને ક્રૂર માણસો મારો સંહાર કરવા માટે મારી પાછળ પડ્યા છે. તેઓ તમારું સન્માન કરતા નથી.

[15] પણ, હે પ્રભુ, તમે તો દયાથી તથા કરુણાથી ભરપૂર, ક્રોધ કરવામાં ધીમા અને કૃપા તથા સત્યતાથી પરિપૂર્ણ, એવા ઈશ્વર છો.

[16] મારી તરફ ફરો અને મારા પર દયા કરો; તમારા આ દાસને તમારું સામર્થ્ય આપો; તમારી દાસીના દીકરાને બચાવો.

[17] તમારી ભલાઈનું ચિહ્ન મને આપો. પછી જેઓ મને ધિક્કારે છે તેઓ જોઈને શરમાઈ જશે કેમ કે, હે યહોવાહ, તમે મને મદદ કરી છે અને દિલાસો આપ્યો છે.

ગીતશાસ્ત્ર — Chapters