[1] મારું હૃદય ઉત્તમ વિષયથી ભરાઈ ગયું છે; જે શબ્દો મેં રાજાને માટે લખ્યા છે તે હું બોલું છું; મારી જીભ શ્રેષ્ઠ લેખકની કલમ જેવી ચપળ છે.
[2] તમે માણસ કરતાં વધારે સુંદર છો; તમારા હોઠો કૃપાથી ભરેલા છે; માટે અમે જાણીએ છીએ કે ઈશ્વરે તમને સદાને માટે આશીર્વાદિત કર્યા છે.
[3] હે પરાક્રમી, તમે તમારી તલવાર કમરે બાંધો, તમારું ગૌરવ તથા તમારો મહિમા ધારણ કરો.
[4] સત્ય, નમ્રતા તથા ન્યાયીપણાને અર્થે તમારા પ્રતાપે સવારી કરીને વિજયવંત થાઓ; તમારો જમણો હાથ તમને ભયંકર કૃત્યો શીખવશે.
[5] તમારાં બાણ તીક્ષ્ણ છે; તે રાજાના શત્રુઓના હૃદયને વીંધે છે; તેથી લોકો તમારે શરણે આવે છે.
[6] ઈશ્વરે તમારા માટે આપેલા રાજ્યાસન સનાતન છે; તમારો રાજદંડ તે યથાર્થ રાજદંડ છે.
[7] તમને ન્યાયીપણા પર પ્રીતિ છે અને દુષ્ટતા પ્રતિ તિરસ્કાર છે; માટે ઈશ્વર, તમારા ઈશ્વર, તમારા સાથીઓ કરતાં તમને સર્વશ્રેષ્ઠ ગણીને આનંદના તેલથી અભિષિક્ત કર્યા છે.
[8] તમારા બધાં વસ્ત્રો બોળ, અગર તથા તજની સુગંધથી મહેંકે છે; હાથીદાંતના મહેલોમાં તારનાં વાજિંત્રો તમને આનંદ પમાડે છે.
[9] રાજાની દીકરીઓની મધ્યે કેટલીક સ્ત્રીઓ આદરમાન છે; તમારે જમણે હાથે ઓફીરના સોનાથી શણગારેલા રાણી ઊભાં રહે છે.
[10] હે દીકરી, સાંભળ, કાન ધર; તારા લોકોને અને તારા પિતાના ઘરને ભૂલી જા.
[11] આ રીતે રાજા તારા સૌંદર્ય પર મોહિત થશે; તે તારા સ્વામી છે; તું તેમની સેવા કર.
[12] તૂરની દીકરી ભેટ લઈને ત્યાં આવશે; ધનવાન લોકો તારી કૃપાને માટે તને કાલાવાલા કરશે.
[13] રાજપુત્રી મહેલમાં સંપૂર્ણ ગૌરવવાન છે; તેનાં વસ્ત્રોમાં સોનાના તાર વણેલા છે.
[14] શણગારેલાં વસ્ત્રો પહેરીને તેને રાજા પાસે લઈ જવામાં આવશે; કુમારિકાઓ, જે તેની સાથીઓ છે, તે તેની પાછળ ચાલે છે, તેઓને તમારી પાસે લાવવામાં આવશે.
[15] તેઓને આનંદથી તથા ઉત્સાહથી લાવવામાં આવશે; તેઓ રાજમહેલમાં પ્રવેશ કરશે.
[16] તમારા પિતૃઓને સ્થાને તમારા દીકરાઓ આવશે, જેઓને તમે આખા દેશ પર રાજકુમાર ઠરાવશો.
[17] હું પેઢી દરપેઢી તમારા નામનું સ્મરણ રખાવીશ; તેથી લોકો સદાકાળ સુધી તમારી આભારસ્તુતિ કરશે.