Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:31

[1] યહોવાહની સ્તુતિ કરો. યહોવાહના નામની સ્તુતિ કરો. હે યહોવાહના સેવકો, તમે તેમની સ્તુતિ કરો.

[2] યહોવાહના ઘરમાં, આપણા ઈશ્વરના ઘરના, આંગણાંમાં ઊભા રહેનારા તેમની સ્તુતિ કરો.

[3] યહોવાહની સ્તુતિ કરો, કારણ કે તે ઉત્તમ છે; તેમના નામની સ્તુતિ કરો, કારણ કે તેમ કરવું આનંદદાયક છે.

[4] કેમ કે યહોવાહે પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે, ઇઝરાયલ ખાસ તેમની સંપત્તિ છે.

[5] હું જાણું છું કે યહોવાહ મહાન છે, આપણા પ્રભુ સર્વ દેવો કરતાં તે મહાન છે.

[6] આકાશમાં તથા પૃથ્વી પર, સમુદ્રોમાં અને સર્વ મહાસાગરના ઊંડાણોમાં યહોવાહને જે જે સારું લાગ્યું, તે સર્વ તેમણે કર્યું છે.

[7] તે પાણીની વરાળને ઊંચે લઈ જઈ તેનાં વાદળાં ચઢાવે છે, તે વીજળી મોકલી વરસાદને વરસાવે છે અને પોતાના ખજાનામાંથી તે વાયુને બહાર કાઢે છે.

[8] મિસરમાં તેમણે માણસોના તથા પશુઓના પ્રથમજનિતોનો નાશ કર્યો.

[9] તેમણે ફારુન અને તેના સેવકોની વિરુદ્ધ પોતાના ચિહ્નો તથા ચમત્કારો સમગ્ર મિસરમાં મોકલ્યાં.

[10] તેમણે ઘણી પ્રજાઓ પર હુમલો કર્યો અને પરાક્રમી રાજાઓને મારી નાખ્યા,

[11] અમોરીઓના રાજા સીહોનને અને બાશાનના રાજા ઓગને અને કનાનના સર્વ રાજ્યોને તેમણે માર્યાં.

[12] તેમના દેશને તેમણે પોતાના લોક ઇઝરાયલને વારસામાં આપ્યો.

[13] હે યહોવાહ, તમારું નામ અનંતકાળ ટકનાર છે, હે યહોવાહ, તમારું સ્મરણ પેઢી દરપેઢી ટકી રહેનાર છે.

[14] કેમ કે યહોવાહ પોતાના લોકોનો ન્યાય કરશે અને તે પોતાના સેવકો પ્રત્યે દયાળુ થશે.

[15] વિદેશીઓની મૂર્તિઓ તો સોનાચાંદીની છે, તેઓ માણસોના હાથથી જ બનેલી છે.

[16] તે મૂર્તિઓને મુખ છે, પણ તેઓ બોલતી નથી; તેઓને આંખો છે, પણ તેઓ જોઈ શકતી નથી.

[17] તેઓને કાન છે, પણ તેઓ સાંભળતી નથી, તેઓનાં મુખમાં શ્વાસ નથી.

[18] જેઓ તેને બનાવે છે તેઓ પણ તેના જેવા જ થશે, જેઓ તેમના પર ભરોસો રાખે છે તેઓ પણ તેના જેવા જ થશે.

[19] હે ઇઝરાયલના વંશજો, યહોવાહની સ્તુતિ કરો; હે હારુનના વંશજો, યહોવાહની સ્તુતિ કરો.

[20] હે લેવીના વંશજો, યહોવાહની સ્તુતિ કરો; હે યહોવાહના ભક્તો, યહોવાહની સ્તુતિ કરો.

[21] સિયોનમાં યહોવાહની સ્તુતિ કરો, જે યરુશાલેમમાં રહે છે. તે યહોવાહની સ્તુતિ કરો.

ગીતશાસ્ત્ર — Chapters