[1] યહોવાહની સ્તુતિ કરો, કેમ કે આપણા ઈશ્વરનાં સ્તુતિગીતો ગાવાં એ સારું તથા મનોરંજક છે, સ્તુતિ કરવી એ ઘટતું છે.
[2] યહોવાહ યરુશાલેમને ફરી બાંધે છે; તે ઇઝરાયલનાં વિખેરાઈ ગયેલા લોકોને પાછા એકઠાં કરે છે.
[3] હૃદયભંગ થયેલાઓને તે સાજા કરે છે અને તે તેઓના ઘા રુઝવે છે.
[4] તે તારાઓની ગણતરી કરે છે; તે તેઓને નામ આપીને બોલાવે છે.
[5] આપણા પ્રભુ કેવા મહાન છે અને ઘણા પરાક્રમી છે; તેમના ડહાપણની કોઈ સીમા નથી.
[6] યહોવાહ નમ્રજનોને ઊંચાં કરે છે; તે દુષ્ટોને જમીનદોસ્ત કરી નાખે છે.
[7] યહોવાહનો આભાર માનતાં માનતાં ગાઓ; વીણા સાથે આપણા ઈશ્વરનાં સ્તોત્ર ગાઓ.
[8] તે આકાશને વાદળોથી ઢાંકે છે અને પૃથ્વીને માટે તે વરસાદ તૈયાર કરી રાખે છે, તે પહાડો પર ઘાસ ઉગાડે છે.
[9] પશુઓને તેમ જ પોકાર કરતાં કાગડાનાં બચ્ચાંને પણ તે ખોરાક આપે છે.
[10] તે ઘોડાના બળથી પ્રસન્ન થતા નથી; તે માણસના પગના જોરથી પણ ખુશ થતા નથી.
[11] જેઓ તેમનો ભય રાખે છે અને તેમની કૃપાની આશા રાખે છે, તેમના પર યહોવાહ ખુશ રહે છે.
[12] હે યરુશાલેમ, યહોવાહની સ્તુતિ કર; હે સિયોન, તારા ઈશ્વરની સ્તુતિ કર.
[13] કારણ કે તેમણે તારાં દ્વારોની ભૂંગળો મજબૂત કરી છે; તેમણે તારામાં તારાં સંતાનોને આશીર્વાદિત કર્યાં છે.
[14] તે તારી સરહદમાં શાંતિ સ્થાપે છે; સારા ઘઉંથી તે તારા કોઠારોને ભરપૂર કરે છે.
[15] તે પોતાની આજ્ઞા પૃથ્વી પર મોકલે છે; તેમની આજ્ઞા બહુ ઝડપથી દોડે છે.
[16] તે ઊનના જેવો બરફ મોકલે છે; તે હવામાંથી રાખ જેવા કરાની વૃષ્ટિ કરે છે.
[17] રોટલીના કટકા જેવા કરા વરસાવે છે; તેની ટાઢ આગળ કોણ ઊભું રહી શકે?
[18] તે પોતાની આજ્ઞા મોકલીને તેમને ઓગળાવે છે; તે પોતાના પવનને ફૂંકાવાની આજ્ઞા કરે છે અને પાણીઓ વહેતાં થાય છે.
[19] તેમણે યાકૂબને તેમનાં વચનો પ્રગટ કર્યાં, તેમણે તેમના વિધિઓ અને નિયમો ઇઝરાયલને પણ પ્રગટ કર્યા.
[20] અન્ય કોઈ પ્રજા સાથે તેમણે આ પ્રમાણે કર્યું નથી; તેઓએ તેમનાં ન્યાયવચનો જાણ્યાં નથી. યહોવાહની સ્તુતિ થાઓ.