Skip to content
Opens in a new window
Listen to this chapter • 1:48

[1] પરાત્પર ઈશ્વરના આશ્રયસ્થાનમાં જે વસે છે, તે સર્વસમર્થની છાયામાં રહેશે.

[2] હું યહોવાહ વિષે કહીશ કે, “તે મારા આશ્રય અને ગઢ છે, એ જ મારા ઈશ્વર છે, તેમના પર હું ભરોસો રાખું છું.”

[3] કારણ કે તે તને શિકારીના સર્વ ફાંદાઓથી અને નાશકારક મરકીથી બચાવશે.

[4] તે પોતાનાં પીંછાથી તને ઢાંકશે અને તેમની પાંખો નીચે આશ્રય મળશે. તેમની સત્યતા ઢાલ તથા બખતર છે.

[5] રાત્રે જે ભય લાગે છે તેથી અથવા તો દિવસે ઊડનાર તીરથી,

[6] અથવા અંધકારમાં ચાલનાર મરકીથી કે, બપોરે મહામારીથી તું બીશ નહિ.

[7] તારી બાજુએ હજાર અને તારે જમણે હાથે દશ હજાર માણસો પડશે, પણ તે તારી પાસે આવશે નહિ.

[8] તું માત્ર નજરે જોશે અને તું દુષ્ટોને મળેલો બદલો જોશે.

[9] કારણ કે યહોવાહ મારા આધાર છે! તેં પરાત્પરને તારો આશ્રય કર્યો છે.

[10] તારા પર કંઈ દુઃખ આવી પડશે નહિ; મરકી તારા ઘરની પાસે આવશે નહિ.

[11] કારણ કે તને તારા સર્વ માર્ગમાં સંભાળવાને માટે, તે પોતાના દૂતોને આજ્ઞા આપશે.

[12] તેઓ તને પોતાના હાથોમાં ધરી રાખશે, કે જેથી તારો પગ માર્ગમાં ખડકો સાથે અફળાય નહિ.

[13] તું સિંહ તથા સાપ પર પગ મૂકશે; સિંહનાં બચ્ચાંને તથા સાપને તું છૂંદી નાખશે.

[14] કારણ કે તે મને સમર્પિત છે, માટે હું તેને બચાવીશ. તેણે મારું નામ જાણ્યું છે, માટે હું તેને ઊંચો કરીશ.

[15] જ્યારે તે મને પોકારશે, ત્યારે હું તેને ઉત્તર આપીશ. હું સંકટસમયે તેની સાથે રહીશ; હું તેને વિજય અપાવીને માન આપીશ.

[16] હું તેને લાંબા આયુષ્યથી વેષ્ટિત કરીશ અને તેને મારા તરફથી મળતો ઉદ્ધાર દેખાડીશ.

ગીતશાસ્ત્ર — Chapters