[1] વિદેશીઓ શા માટે તોફાન કરે છે? અને લોકો શા માટે વ્યર્થ યોજનાઓ કરે છે?
[2] યહોવાહ તથા તેમના અભિષિક્તની વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્જ થાય છે અને હાકેમો અંદરોઅંદર મસલત કરીને કહે છે,
[3] “આવો આપણે તેઓનાં બંધન તોડી પાડીએ; અને તેઓની ગુલામીમાંથી આપણે મુક્ત થઈએ.”
[4] આકાશમાં જે બિરાજમાન છે તે હાસ્ય કરશે; પ્રભુ તેઓને તુચ્છ ગણશે.
[5] પછી તે ક્રોધમાં તેઓની સાથે બોલશે અને પોતાના કોપથી તે તેઓને ત્રાસ પમાડીને કહેશે,
[6] “મારા પવિત્ર સિયોન પર્વત પર મેં મારા રાજાને અભિષિક્ત કર્યો છે.”
[7] હું તો એ યહોવાહના નિયમો જાહેર કરીશ. તેમણે મને કહ્યું, “તું મારો પુત્ર છે! આજે મેં તને જન્મ આપ્યો છે.
[8] તું મારી પાસે માગ, એટલે હું તને વારસા તરીકે રાષ્ટ્રો અને પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ.
[9] તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે; તું તેઓને કુંભારના વાસણની જેમ અફાળીને ટુકડેટુકડા કરશે.”
[10] તેથી હવે, રાજાઓ, તમે સમજો; ઓ પૃથ્વીના અધિકારીઓ, તમે શિખામણ લો.
[11] ભયથી યહોવાહની સેવા કરો અને કંપીને હર્ષ પામો.
[12] તેમના પુત્રને ચુંબન કરો, જેથી તે તમારા પર ગુસ્સે ન થાય અને તમે નાશ ન પામો કેમ કે તેમનો કોપ જલદીથી ભભૂકી ઊઠશે જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વ આશીર્વાદિત છે.