[1] હે યહોવાહ, મદદ કરો, કેમ કે ઈશ્વરના લોકો ઓછા થઈ ગયા છે; વિશ્વાસુ લોકો ઓછા થઈ ગયા છે.
[2] દરેક પોતાના પડોશી સાથે અસત્ય બોલે છે; દરેક માણસ ખુશામત કરનાર હોઠ અને બે મનવાળાની જેમ બોલે છે.
[3] યહોવાહ સર્વ ખુશામત કરનાર હોઠોનો તથા દરેક બડાઈ કરનારી જીભોનો નાશ કરશે.
[4] તેઓએ એવું કહ્યું, “અમારી જીભથી અમે જીતીશું. જ્યારે અમારા હોઠ અમારા પોતાના છે, ત્યારે અમારો માલિક કોણ છે?”
[5] યહોવાહ કહે છે, “ગરીબોને લૂંટ્યાને લીધે તથા દરિદ્રીઓના નિસાસાને લીધે, હું હવે ઊઠીશ.” “જેને તેઓ તુચ્છકારે છે તેને હું સહીસલામત રાખીશ.”
[6] યહોવાહના શબ્દો શુદ્ધ છે, જેમ જમીન પરની ભઠ્ઠીમાં તપાવેલી ચાંદી, જે સાત વાર શુદ્ધ કરેલી હોય, તેના જેવા તેઓ પવિત્ર છે.
[7] હે યહોવાહ, તમે અમને સંભાળજો. આ દુષ્ટ પેઢીના માણસોથી તમે સદા તેઓનું રક્ષણ કરશો.
[8] જ્યારે મનુષ્યના પુત્રોમાં દુષ્ટતા વધે છે ત્યારે દુષ્ટો ચારેતરફ ફરે છે.