[1] યહોવાહની સ્તુતિ કરો. યહોવાહનો આભાર માનો, કારણ કે તે ઉત્તમ છે, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
[2] યહોવાહનાં મહાન કૃત્યો કોણ વર્ણવી શકે? અથવા તેમની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે?
[3] જેઓ ન્યાયને અનુસરે છે અને જેઓના કામો હંમેશાં ન્યાયી છે તે આશીર્વાદિત છે.
[4] હે યહોવાહ, જ્યારે તમે તમારા લોકો પર કૃપા કરો, ત્યારે મને યાદ રાખજો; જ્યારે તમે તેઓને બચાવો ત્યારે મને સહાય કરજો.
[5] જેથી હું તમારા પસંદ કરેલાઓનું ભલું જોઉં, તમારી પ્રજાના આનંદમાં હું આનંદ માણું અને તમારા વારસાની સાથે હું હર્ષનાદ કરું.
[6] અમારા પિતૃઓની જેમ અમે પણ પાપ કર્યુ છે; અમે અન્યાય કર્યા છે અને અમે દુષ્ટતા કરી છે.
[7] મિસરમાંના તમારાં ચમત્કારોમાંથી અમારા પિતૃઓ કંઈ સમજ્યા નહિ; તેઓએ તમારી કૃપાનાં કાર્યોની અવગણના કરી; તેઓએ સમુદ્ર પાસે, એટલે રાતા સમુદ્ર પાસે તમારી વિરુદ્ધ બંડ પોકાર્યું.
[8] તોપણ તમે પોતાના નામની ખાતર તેઓને બચાવ્યા કે જેથી તમે પોતાના લોકોને તમારું પરાક્રમ બતાવી શકો.
[9] પ્રભુએ રાતા સમુદ્રને ધમકાવ્યો, એટલે તે સુકાઈ ગયો. એ પ્રમાણે તેમણે જાણે અરણ્યમાં હોય, તેમ ઊંડાણોમાં થઈને તેઓને દોર્યા.
[10] જેઓ તેઓને ધિક્કારે છે તેઓના હાથમાંથી તેમણે તેઓને બચાવ્યા અને દુશ્મનના પરાક્રમથી તેઓને છોડાવ્યા.
[11] તેઓના દુશ્મનો પર પાણી ફરી વળ્યું; તેઓમાંનો એક પણ બચ્યો નહિ.
[12] ત્યારે તેઓએ તેમની વાતો પર વિશ્વાસ રાખ્યો અને તેઓએ તેમનાં સ્તોત્ર ગાયા.
[13] પણ તેઓ તેમનાં કરેલાં કૃત્યો પાછા જલદીથી ભૂલી ગયા; તેમની સલાહ સાંભળવાને તેઓએ ધીરજ રાખી નહિ.
[14] અરણ્યમાં તેઓએ ઘણી જ દુર્વાસના કરી અને તેઓએ રાનમાં ઈશ્વરને પડકાર આપ્યો.
[15] તેમણે તેઓની માગણીઓ પ્રમાણે તેઓને આપ્યું, પણ તેઓના આત્મામાં નબળાઈ મોકલી.
[16] તેઓએ છાવણીમાં મૂસાની ઈર્ષ્યા કરી અને યહોવાહના પવિત્ર યાજક હારુનની અદેખાઈ કરી.
[17] ભૂમિ ફાટીને દાથાનને ગળી ગઈ અને અબિરામના સમુદાયને ભૂમિમાં ઉતારી દીધો.
[18] તેઓના સમુદાયમાં અગ્નિ સળગી પ્રગટ્યો; અગ્નિએ દુષ્ટોને બાળી નાખ્યા.
[19] તેઓએ હોરેબ આગળ વાછરડો બનાવ્યો અને ઢાળેલી મૂર્તિની પૂજા કરી.
[20] તેઓએ આ પ્રમાણે તેમના મહિમાવંત ઈશ્વરને બદલી નાખ્યા, કેમ કે ઘાસ ખાનાર બળદની પ્રતિમા પસંદ કરીને પોતાનો મહિમા બદલ્યો.
[21] તેઓ પોતાના બચાવનાર ઈશ્વરને ભૂલી ગયા, કે જેમણે મિસરમાં અદ્દભુત કાર્યો કર્યાં હતાં.
[22] તેમણે હામના દેશમાં આશ્ચર્યકારક કામો તથા લાલ સમુદ્ર પાસે ભયંકર કામો કર્યાં હતાં.
[23] તેમણે તેઓનો સંહાર કરવાને કહ્યું પણ તેઓનો સંહાર કરવાને થયેલા કોપને શમાવવાને માટે તેમનો પસંદ કરેલો મૂસા વચ્ચે પડ્યો અને પ્રભુની સમક્ષ આવીને ઊભો રહ્યો.
[24] પછી તેમણે તે ફળદ્રુપ દેશને તુચ્છ ગણ્યો; તેઓએ તેના વચનનો વિશ્વાસ કર્યો નહિ.
[25] પણ તેઓ પોતાના તંબુઓમાં કચકચ કરીને યહોવાહને આધીન થયા નહિ.
[26] તેથી તેમણે તેઓને માટે શપથ લીધા કે તેઓ અરણ્યમાં નાશ પામે.
[27] વિદેશીઓમાં તેઓના વંશજોને વિખેરી નાખ્યા અને દેશપરદેશમાં તેઓને વિખેરી નાખ્યા.
[28] તેઓએ બઆલ-પેઓરની પૂજા કરી અને અર્પણને માટે અર્પિત કરેલા મૃતદેહનો ભક્ષ કર્યો.
[29] એ પ્રમાણે તેઓએ પોતાની કરણીઓથી તેમને ચીડવ્યા અને તેઓમાં મરકી ફાટી નીકળી.
[30] પછી ફીનહાસે ઊભા થઈને મધ્યસ્થી કરી અને મરકી અટકી ગઈ.
[31] આ તેનું કામ તેના લાભમાં પેઢી દરપેઢી સર્વકાળ માટે ન્યાયીપણાને અર્થે ગણવામાં આવ્યું.
[32] મરીબાહના પાણીના સંબંધમાં પણ તેઓએ તેમને ખીજ્વ્યા અને તેઓને લીધે મૂસાને સહન કરવું પડ્યું.
[33] તેઓએ મૂસાને ઉશ્કેર્યો અને તે અવિચારીપણે બોલવા લાગ્યો.
[34] જેમ યહોવાહે તેઓને આજ્ઞા આપી હતી તેમ, તેઓએ તે લોકોનો નાશ કર્યો નહિ.
[35] પણ તેઓ પ્રજાઓ સાથે ભળી ગયા અને તેઓના માર્ગો અપનાવ્યા.
[36] અને તેઓની મૂર્તિઓની પૂજા કરી, તે તેઓને ફાંદા રૂપ થઈ પડી.
[37] તેઓએ પોતાનાં દીકરા તથા દીકરીઓનું દુષ્ટાત્માઓને બલિદાન આપ્યું.
[38] તેઓએ નિર્દોષ લોહી, એટલે પોતાનાં દીકરાદીકરીઓનું લોહી વહેવડાવ્યું, તેનું તેઓએ કનાનની મૂર્તિઓને બલિદાન કર્યુ, લોહીથી દેશને અશુદ્ધ કર્યો.
[39] તેમનાં દુષ્ટ કાર્યોથી તેઓ અપવિત્ર બન્યા તેમનાં કાર્યોમાં તેઓ અવિશ્વાસુ થયા.
[40] તેથી યહોવાહ પોતાના લોકો પર ગુસ્સે થયા અને તે પોતાના લોકોથી કંટાળી ગયા.
[41] તેમણે તેઓને વિદેશીઓના હાથમાં સોંપી દીધા અને જેઓ તેમને ધિક્કારતા હતા, તેઓએ તેમના પર રાજ કર્યું.
[42] તેઓના શત્રુઓએ પણ તેઓને કચડ્યા અને તેઓના અધિકાર નીચે પડીને તેઓ તાબેદાર થયા.
[43] ઘણી વાર તે તેમની મદદે આવ્યા, પણ તેઓએ બંડ કરવાનું ચાલું રાખ્યું અને પોતાના પાપને લીધે તેઓ પાયમાલ થયા.
[44] તેમ છતાં તેઓની પ્રાર્થનાઓ સાંભળીને તેમણે તેઓનું સંકટ લક્ષમાં લીધું.
[45] તેઓની સાથે કરેલો તેમનો કરાર યાદ કર્યો અને પોતાની પુષ્કળ દયાને લીધે પસ્તાવો કર્યો.
[46] તેમણે તેઓને બંદીવાન કરનારાઓની પાસે તેમના પર કરુણા કરાવી.
[47] હે યહોવાહ, અમારા ઈશ્વર, અમારો બચાવ કરો. વિદેશીઓમાંથી અમને એકત્ર કરો કે જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએ અને સ્તુતિ કરીને તમારો મહિમા કરીએ.
[48] હે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ, તમે અનાદિકાળથી અનંતકાળ સુધી સ્તુત્ય મનાઓ. સર્વ લોકોએ કહ્યું, “આમીન.” યહોવાહની સ્તુતિ કરો.