Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:34

[1] હે સર્વ પૃથ્વીના રહેવાસી, ઈશ્વરની આગળ હર્ષનાં ગીત ગાઓ;

[2] તેમના નામના ગૌરવની સ્તુતિ ગાઓ; સ્તુતિગાનથી તેમને મહિમાવાન કરો.

[3] ઈશ્વરને કહો, “તમારાં કામ કેવાં ભયંકર છે! તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી આગળ નમી જશે.

[4] આખી પૃથ્વી તમારી સ્તુતિ કરશે અને તે તમારી આગળ ગાયન કરશે; તેઓ તમારા નામનું સ્તવન કરશે.” સેલાહ

[5] આવો અને ઈશ્વરનાં કૃત્યો જુઓ; માણસો પ્રત્યે તેમનાં કામ ભયંકર છે.

[6] તે સમુદ્રને સૂકવી નાખે છે; તેઓ પગે ચાલીને નદીને સામે કિનારે ગયા; ત્યાં આપણે તેમનામાં આનંદ કર્યો હતો.

[7] તે પોતાના પરાક્રમથી સદાકાળ રાજ કરે છે; તેમની આંખો દેશોને જુએ છે; બંડખોરો ફાવી જઈને ઊંચા ન થઈ જાય. સેલાહ

[8] હે લોકો, આપણા ઈશ્વરને, ધન્યવાદ આપો અને તેમનાં સ્તવનનો ધ્વનિ સંભળાવો.

[9] તે આપણા આત્માને જીવનમાં સુરક્ષિત રાખે છે અને આપણા પગને લપસી જવા દેતા નથી.

[10] કેમ કે, હે ઈશ્વર, તમે અમારી કસોટી કરી છે; જેમ ચાંદી કસાય છે તેમ તમે અમને કસ્યા છે.

[11] તમે અમને તમારી જાળમાં પકડ્યા છે; તમે અમારી પીઠ પર ભારે બોજો મૂક્યો છે.

[12] તમે અમારાં માથાં પર માણસો પાસે સવારી કરાવી; અમારે અગ્નિ અને પાણીમાંથી ચાલવું પડ્યું, પણ તમે અમને બહાર લાવીને સમૃદ્ધિવાન જગ્યાએ પહોંચાડ્યા.

[13] દહનીયાર્પણો લઈને હું તમારા ઘરમાં આવીશ; હું તમારી સંમુખ મારી પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરીશ.

[14] હું જ્યારે સંકટમાં હતો, ત્યારે મારા મુખે હું જે બોલ્યો અને મારા હોઠોએ જે વચન આપ્યું હતું, તે હું પૂરું કરીશ.

[15] પુષ્ટ જાનવરનાં દહનીયાર્પણો ઘેટાંના ધૂપ સાથે હું તમારી આગળ ચઢાવીશ; હું બળદો તથા બકરાં ચઢાવીશ. સેલાહ

[16] હે ઈશ્વરના ભક્તો, તમે સર્વ આવો અને સાંભળો અને તેમણે મારા આત્માને માટે જે કઈ કર્યું તે હું કહી સંભળાવીશ.

[17] મેં મારા મુખે તેમને અરજ કરી અને મારી જીભે તેમનું સ્તવન કર્યું.

[18] જો હું મારા હૃદયમાં દુષ્ટતા કરવાનો ઇરાદો રાખું, તો પ્રભુ મારું સાંભળે જ નહિ.

[19] પણ ઈશ્વરે નિશ્ચે મારું સાંભળ્યું છે; તેમણે મારી પ્રાર્થના પર ધ્યાન આપ્યું છે.

[20] ઈશ્વરની સ્તુતિ હો, જેમણે મારી પ્રાર્થનાની અવગણના કરી નથી તથા મારા પરની તેમની કૃપા અટકાવી નથી.

ગીતશાસ્ત્ર — Chapters