[1] હે ઈશ્વર, વિદેશીઓ તમારા વતનમાં આવ્યા છે; તેઓએ તમારા પવિત્રસ્થાનને અશુદ્ધ કર્યુ છે; તેઓએ યરુશાલેમને ખંડિયેર કરી નાખ્યું છે.
[2] તેઓએ તમારા સેવકોના મૃતદેહોને જંગલી પક્ષીઓને ખાવા માટે આપ્યા છે તેઓએ તમારા ભક્તોના મૃતદેહોને ખાવા માટે જંગલી પશુઓને આપ્યા છે.
[3] તેઓએ યરુશાલેમની આસપાસ પાણીની જેમ લોહી વહેવડાવ્યું છે અને તેઓને દફનાવનાર કોઈ નથી.
[4] અમે અમારા પડોશીઓને નિંદારૂપ થયા છીએ, જેઓ અમારી આસપાસ છે તેઓની આગળ તિરસ્કારરૂપ તથા મશ્કરીપાત્ર થયા છીએ.
[5] હે યહોવાહ, ક્યાં સુધી? શું તમે સદાને માટે કોપાયમાન રહેશો? શું તમારો રોષ અગ્નિની જેમ સળગી ઊઠશે?
[6] જે વિદેશીઓ તમને જાણતા નથી અને જે રાજ્યની પ્રજાઓ તમારા નામે અરજ કરતી નથી, તેઓ પર તમારો કોપ રેડો.
[7] કારણ કે તેઓ યાકૂબને ગળી ગયા છે અને તેનું રહેઠાણ ઉજ્જડ કર્યું છે.
[8] અમારા પૂર્વજોનાં પાપોને લીધે અમને દોષિત ઠરાવશો નહિ; અમારા પર તમારી દયા કરવામાં વિલંબ કરશો નહિ, કારણ કે અમે બહુ દુર્દશામાં આવી પડ્યા છીએ.
[9] હે અમારા ઉદ્ધારનાર ઈશ્વર, તમારા નામના મહિમાને માટે, અમારી સહાય કરો; તમારા નામની ખાતર અમને અમારાં પાપોથી બચાવો અને માફ કરો.
[10] વિદેશીઓ શા માટે એવું કહે છે કે, “તેઓના ઈશ્વર ક્યાં છે?” અમે નજરે જોઈએ એવી રીતે તમારા સેવકોના વહેવડાવેલા લોહીનો બદલો વિદેશીઓને આપો.
[11] બંદીવાનોના નિસાસા તમારી આગળ પહોંચો; જેઓ મરણને માટે નિર્મિત થયેલા છે તેઓનું, તમારા મહાન સામર્થ્ય પ્રમાણે, રક્ષણ કરો.
[12] હે પ્રભુ, અમારા પડોશી જે રીતે તમારું અપમાન કરે છે, તે જ રીતે તેઓને તમે સાતગણી સજા તેઓના ખોળે આપો.
[13] જેથી અમે અમારા લોકો તથા તમારા ચારના ઘેટાં નિરંતર તમારી આભારસ્તુતિ કરીશું. પેઢી દરપેઢી અમે તમારું સ્તવન કરીશું.