[1] હે ઈશ્વર, સિયોનમાં તમારી સ્તુતિ થાય તે ઘટિત છે; અમારી પ્રતિજ્ઞા તમારી આગળ પૂરી કરવામાં આવશે.
[2] હે પ્રાર્થનાના સાંભળનાર, તમારી પાસે સર્વ લોક આવશે.
[3] ભૂંડાઈની વાતો અમારા પર જય પામે છે; અમારા અપરાધો માટે, અમને માફ કરશો.
[4] જેને તમે પસંદ કરીને પાસે લાવો છો જે તમારાં આંગણાંમાં રહે છે તે આશીર્વાદિત છે. અમે તમારા ઘરની ઉત્તમતાથી તૃપ્ત થઈશું, જે તમારું સભાસ્થાન છે.
[5] હે અમારા તારણના ઈશ્વર; ન્યાયીકરણથી તમે અદ્ભૂત કૃત્યો વડે અમને ઉત્તર આપશો, તમે પૃથ્વીની સર્વ સીમાઓના અને દૂરના સમુદ્રો સુધી તમે સર્વના આશ્રય છો.
[6] તેમણે પોતાને બળે પર્વતો સ્થાપ્યા, તેઓ સામર્થ્યથી ભરપૂર છે.
[7] તે સમુદ્રની ગર્જના, તેઓનાં મોજાંના ઘુઘવાટ શાંત કરે છે અને લોકોનો ગભરાટ પણ શાંત પાડે છે.
[8] પૃથ્વીની સરહદના રહેનારાઓ પણ તમારાં અદ્દભુત કાર્યોથી બીએ છે; તમે પૂર્વ તથા પશ્ચિમ દિશાના લોકોને પણ આનંદમય કરો છો.
[9] તમે પૃથ્વીની સહાય કરો છો; તમે તેને પાણીથી સિંચો છો; તમે તેને ઘણી ફળદ્રુપ કરો છો; ઈશ્વરની નદી પાણીથી ભરેલી છે; જ્યારે તમે પૃથ્વીને તૈયાર કરી, ત્યારે તમે મનુષ્યોને અનાજ પૂરું પાડ્યું.
[10] તમે તેના ચાસોને પુષ્કળ પાણી આપો છો; તમે તેના ઊમરાઓને સપાટ કરો છો; તમે ઝાપટાંથી તેને નરમ કરો છો; તેના ઊગતા ફણગાને તમે આશીર્વાદ આપો છો.
[11] તમે વર્ષને પુષ્કળ ફસલથી આશીર્વાદિત કરો છો; તમારા માર્ગોમાંથી સમૃદ્ધિ વર્ષે છે.
[12] અરણ્યનાં બીડો પર તે ટપકે છે અને ટેકરીઓ આનંદમય થાય છે.
[13] ઘાસનાં બીડો ઘેટાંઓનાં ટોળાંથી ઢંકાઈ જાય છે; ખીણોની સપાટીઓ પણ અનાજથી ઢંકાયેલી છે; તેઓ આનંદથી પોકારે છે અને તેઓ ગાયન કરે છે.