Skip to content
Opens in a new window
Listen to this chapter • 6:29

[1] હે યહોવાહ, મારા સામર્થ્ય, હું તમારા પર પ્રેમ કરું છું.

[2] યહોવાહ મારા ખડક, મારા કિલ્લા તથા મારા બચાવનાર છે; તે મારા ઈશ્વર, મારા ગઢ; તે પર હું ભરોસો રાખીશ. તે મારું બખ્તર છે, મારા ઉદ્ધારનું શિંગ અને મારો ઊંચો બુરજ છે.

[3] હું યહોવાહને વિનંતિ કરીશ તે સ્તુતિપાત્ર છે અને એમ હું મારા શત્રુઓથી બચી જઈશ.

[4] મને મૃત્યુનાં બંધનોએ ઘેરી લીધો છે અને દુષ્ટતાનાં મોજાં મારા પર ફરી વળ્યાં છે.

[5] શેઓલનાં બંધનોએ મને બધી બાજુએથી ઘેરી લીધો છે; મૃત્યુના પાશ મારા પર આવી પડ્યા છે.

[6] મારા સંકટમાં મેં યહોવાહને વિનંતિ કરી; મદદને માટે મેં મારા ઈશ્વરને વિનંતિ કરી. તેમણે પોતાના પવિત્રસ્થાનમાંથી મારો અવાજ સાંભળ્યો; તેમની આગળ મારી અરજ તેમને કાને પહોંચી.

[7] ત્યારે પૃથ્વી હાલી તથા કાંપી; વળી, પર્વતોના પાયા ખસી ગયા અને હાલવા લાગ્યા કેમ કે ઈશ્વર ગુસ્સે થયેલા હતા.

[8] તેમનાં નસકોરાંમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને તેમના મુખમાંથી ભસ્મ કરનાર અગ્નિ નીકળવા લાગ્યો. તેથી કોલસા સળગી ઊઠ્યા.

[9] તે આકાશોને નમાવીને નીચે ઊતર્યા અને તેમના પગની નીચે ઘોર અંધકાર હતો.

[10] તે કરુબ પર સવારી કરીને ઊડ્યા; તે પવનની પાંખોની જેમ ઊડ્યા.

[11] તેમણે મેઘજળના અંધકારને તથા અંતરિક્ષના ગાઢા વાદળને પોતાનું સંતાવાનું સ્થળ અને પોતાની આસપાસ આચ્છાદન બનાવ્યું.

[12] તેમની સામેના પ્રકાશથી તેમનાં ગાઢ વાદળ જતાં રહ્યાં, કરા તથા અગ્નિના અંગારા વરસ્યા.

[13] યહોવાહે આકાશમાં ગર્જના કરી! પરાત્પરે મોટો અવાજ કાઢ્યો અને કરા તથા વીજળીના ચમકારા થયા.

[14] તેમણે બાણ મારીને તેના શત્રુઓને મારી નાખ્યા; તેમણે વીજળીઓ મોકલીને તેમને થથરાવી નાખ્યા.

[15] પછી, હે યહોવાહ, તમારી ધમકીથી, તમારાં નસકોરાંના શ્વાસથી સમુદ્રના તળિયાં દેખાયાં અને ધરતીના પાયા ઉઘાડા થયા.

[16] તેમણે હાથ લંબાવી મને પકડી લીધો! તે ઘણા પાણીમાંથી મને બહાર લાવ્યા.

[17] તેમણે મને મારા બળવાન શત્રુથી અને મારા દ્વેષીઓથી બચાવ્યો, કારણ કે તેઓ મારા કરતાં વધારે જોરાવર હતા.

[18] મારી વિપત્તિના દિવસોમાં તેઓ મારા પર તૂટી પડ્યા, પણ યહોવાહે મને સ્થિર રાખ્યો.

[19] તેઓ મને ખુલ્લી જગ્યામાં કાઢી લાવ્યા; તેમણે મને બચાવ્યો કેમ કે તે મારા પર પ્રસન્ન હતા.

[20] યહોવાહે મારા ન્યાયીપણાનું ફળ આપ્યું છે; તેમણે મારા હાથની શુદ્ધતા પ્રમાણે મને પાછું વાળી આપ્યું છે.

[21] કારણ કે હું યહોવાહને માર્ગે ચાલ્યો છું અને દુષ્ટતા કરીને મારા ઈશ્વરથી વિમુખ થયો નથી.

[22] હું તેમના સર્વ નિયમોને કાળજીપૂર્વક અનુસર્યો છું; મેં તેમના વિધિઓ મારી પાસેથી દૂર કર્યા નહોતા.

[23] વળી હું તેમની આગળ નિર્દોષ હતો અને હું અન્યાયથી દૂર રહ્યો.

[24] યહોવાહે મારું ન્યાયીપણું અને મારા હાથની શુદ્ધતા જોઈને તે પ્રમાણે મને પ્રતિદાન આપ્યું છે.

[25] જેઓ તમારી પ્રત્યે વિશ્વાસુ છે, તેને તમે વિશ્વાસુ છો; જેઓ તમારી સાથે ન્યાયી છે, તેઓની સાથે તમે ન્યાયી દેખાશો.

[26] જેઓ શુદ્ધ છે તેઓની સાથે તમે શુદ્ધ છો; પણ જેઓ કપટી છે તેઓને સાથે હઠીલા દેખાશો.

[27] કેમ કે તમે દુઃખીઓને બચાવો છો, પણ અભિમાની લોકોને અપમાનિત કરો છો.

[28] કેમ કે તમે મારો દીવો સળગાવશો; યહોવાહ મારા ઈશ્વર મારા અંધકારનો પ્રકાશ કરશે.

[29] કેમ કે તમારાથી હું કિલ્લો પણ કૂદી જાઉં છું; મારા ઈશ્વરના કારણે હું કોટ કૂદી જાઉં છું.

[30] ઈશ્વરને માટે તેમનો માર્ગ તો સંપૂર્ણ છે. યહોવાહના શબ્દો શુદ્ધ છે! જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વની તે ઢાલ છે.

[31] કારણ કે યહોવાહ વિના બીજા ઈશ્વર કોણ છે? અમારા ઈશ્વર વિના બીજો ખડક કોણ છે?

[32] ઈશ્વર જે મારી કમરે સામર્થ્યરૂપી પટ્ટો બાંધે છે અને મારો માર્ગ સીધો કરે છે.

[33] તે મારા પગોને હરણીના જેવા કરે છે અને મારાં ઉચ્ચસ્થાનો પર મને સ્થાપે છે.

[34] તે મારા હાથોને લડતાં શીખવે છે અને મારા હાથ પિત્તળનું ધનુષ્ય તાણે છે.

[35] તમે તમારા ઉદ્ધારની ઢાલ મને આપી છે. તમારા જમણા હાથથી તમે મને ટેકો આપ્યો છે અને તમારી અમીદ્રષ્ટીએ મને મોટો કર્યો છે.

[36] તમે મારા ચાલવાની જગ્યા ખુલ્લી કરી છે, જેથી મારા પગ કદી લપસ્યા નથી.

[37] હું મારા શત્રુઓની પાછળ પડીને તેઓને પકડી પાડીશ; જ્યાં સુધી તેઓનો નાશ નહિ થાય, ત્યાં સુધી હું પાછો ફરીશ નહિ.

[38] હું તેઓને એવા શરમાવી નાખીશ કે તેઓ ફરી ઊભા થઈ શકશે નહિ; તેઓ મારા પગે પડશે.

[39] કારણ કે તમે યુદ્ધને માટે મારી કમરે સામર્થ્યરૂપી પટ્ટો બાંધ્યો છે; મારી સામે ચઢાઈ કરનારને તમે મારે તાબે કર્યા છે.

[40] તમે મારા શત્રુઓની પીઠ મારી તરફ ફેરવી છે કે, જેથી મારા દ્વેષીઓનો નાશ કરું.

[41] તેઓએ મદદને માટે પોકાર કર્યો, પણ તેઓને બચાવનાર કોઈ નહોતું; તેઓએ યહોવાહને વિનંતી કરી, પણ તેમણે તેઓને કોઈ જવાબ આપ્યો નહિ.

[42] પવનથી ફૂંકાતી ધૂળની જેમ તેમને મેં વિખેરી નાખ્યા છે; ગલીઓમાંની ધૂળની જેમ મેં તેમને કચડી નાખ્યા છે.

[43] તમે મને મારા વિરુદ્ધ લડતાં લોકોથી બચાવો. તમે મને બીજા દેશોનો અધિકારી બનાવો છો. જે લોકોને હું જાણતો નથી તેઓ મારી સેવા કરશે.

[44] જ્યારે તેઓએ મારે વિષે સાંભળ્યું, ત્યારે તેઓ મારે આધીન થયા; વિદેશીઓ મારે શરણે આવ્યા.

[45] વિદેશીઓ હિંમત ગુમાવી બેઠા છે અને ધ્રૂજતા ધ્રૂજતા તેઓ કિલ્લાની બહાર આવ્યા.

[46] યહોવાહ જીવતા જાગતા ઈશ્વર છે; મારા રક્ષકની સ્તુતિ હો. મારા ઉદ્ધાર કરનાર ઈશ્વર ઉત્તમ મનાઓ.

[47] એટલે જે ઈશ્વર મારું વેર વાળે છે અને લોકોને મારે તાબે કરે છે તેમની સ્તુતિ થાઓ.

[48] તે મારા શત્રુઓથી મને છોડાવે છે! હા, મારી સામે ઊઠનારા પર તમે મને વિજય આપો છો! બલાત્કાર કરનાર માણસથી તમે મને બચાવો છો.

[49] માટે હે યહોવાહ, વિદેશીઓમાં હું તમારી સ્તુતિ કરીશ; હું તમારા નામનાં સ્તોત્ર ગાઈશ.

[50] તે પોતાના રાજાને વિજય આપે છે અને પોતાના અભિષિક્ત ઉપર, એટલે દાઉદ તથા તેના વંશજો ઉપર, સર્વકાળ કૃપા રાખે છે.

ગીતશાસ્ત્ર — Chapters