Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:57

[1] હે યહોવાહ, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે અને તમે મને ઓળખો છો.

[2] મારું બેસવું તથા મારું ઊઠવું તમે જાણો છો; તમે મારા વિચારો વેગળેથી સમજો છો.

[3] જ્યારે હું સૂઈ જાઉં છું, ત્યારે તમે મારા માર્ગોનું અવલોકન કરો છો; તમે મારા બધા માર્ગોના માહિતગાર છો.

[4] કેમ કે, હે યહોવાહ, તમે મારા મુખની બધી વાતો પૂરેપૂરી જાણો છો.

[5] તમે આગળ પાછળ મને ઘેરી લીધો છે અને તમે તમારા હાથે મને પકડી રાખ્યો છે.

[6] આવું ડહાપણ તો મને આશ્ચર્ય પમાડનારું છે; તે અતિ ઉચ્ચ છે અને હું તેને સમજી શકતો નથી.

[7] તમારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં? તમારી હાજરીમાંથી હું ક્યાં નાસી જાઉં?

[8] જો હું આકાશોમાં ચઢી જાઉં, તો તમે ત્યાં છો; જો હું શેઓલમાં મારી પથારી નાખું, તો ત્યાં પણ તમે છો.

[9] જો હું પરોઢિયાની પાંખો લઈને સમુદ્રને પેલે પાર જઈને વસું,

[10] તો ત્યાં પણ તમારો હાથ મને દોરશે તમારો જમણો હાથ મને પકડી રાખશે.

[11] જો હું કહું, “અંધકાર તો નિશ્ચે મને ઢાંકશે અને રાત મારી આસપાસ અજવાળારૂપ થશે;”

[12] અંધકાર પણ મને તમારાથી સંતાડી શકતો નથી. રાત દિવસની જેમ પ્રકાશે છે, કેમ કે અંધારું અને અજવાળું બન્ને તમારી આગળ સમાન છે.

[13] તમે મારું અંતઃકરણ ઘડ્યું છે; મારી માતાના ઉદરમાં તમે મારી રચના કરી છે.

[14] હું તમારો આભાર માનીશ, કેમ કે તમારાં કાર્યો અદ્દભુત અને આશ્ચર્યજનક છે. તમે મારા જીવન વિષે સઘળું જાણો છો.

[15] જ્યારે મને અદ્રશ્ય રીતે રચવામાં આવ્યો, જ્યારે પૃથ્વીના ઊંડાણોમાં વિવિધ કરામતથી મને ગોઠવવામાં આવ્યો, ત્યારે પણ મારું શરીર તમારાથી અજાણ્યું ન હતું.

[16] ગર્ભમાં પણ તમે મને નિહાળ્યો છે; મારું એકે અંગ થયેલું ન હતું, ત્યારે તેઓ સર્વ, તેમ જ તેઓના ઠરાવેલા સમયો તમારા પુસ્તકમાં લખેલા હતા.

[17] હે ઈશ્વર, તમારા વિચારો મને કેટલા બધા મૂલ્યવાન લાગે છે! તેઓની સંખ્યા કેટલી બધી મોટી છે!

[18] જો હું તેઓને ગણવા જાઉં તો તેઓ રેતીના કણ કરતાં વધારે થાય. જ્યારે હું જાગું, ત્યારે હું હજી તમારી સાથે હોઉં છું.

[19] હે ઈશ્વર, તમે જ દુષ્ટોનો સંહાર કરશો; હે ખૂની માણસો મારાથી દૂર થાઓ.

[20] તેઓ તમારી વિરુદ્ધ બળવો કરે છે અને કપટથી વર્તે છે; તમારા શત્રુઓ વ્યર્થ ફુલાઈ જાય છે.

[21] હે યહોવાહ, તમારો દ્વેષ કરનારાઓનો શું હું દ્વેષ ન કરું? જેઓ તમારી સામે ઊઠે છે, તેઓનો શું હું ધિક્કાર ન કરું?

[22] હું તેઓને સંપૂર્ણ રીતે ધિક્કારું છું; તેઓને હું મારા શત્રુઓ જ ગણું છું.

[23] હે ઈશ્વર, મારી કસોટી કરો અને મારું અંતઃકરણ ઓળખો; મને પારખો અને મારા વિચારો જાણી લો.

[24] જો મારામાં કંઈ દુષ્ટતા હોય, તો તે તમે જોજો અને મને સનાતન માર્ગમાં ચલાવજો.

ગીતશાસ્ત્ર — Chapters