Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:49

[1] યહોવાહનો આભાર માનો, કારણ કે તે ઉત્તમ છે અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.

[2] જેઓ યહોવાહના છોડાવેલા છે તેઓએ આ પ્રમાણે બોલવું, એટલે જેઓને તેમણે શત્રુઓના હાથમાંથી છોડાવ્યા તેઓએ.

[3] તેમણે તેઓને દેશવિદેશથી એટલે પૂર્વથી તથા પશ્ચિમથી, ઉત્તરથી તથા દક્ષિણથી એકત્ર કર્યા.

[4] અરણ્યમાં તેઓ ઉજ્જડ માર્ગે ભટક્યા અને તેઓને રહેવા માટે કોઈ નગર મળ્યું નહિ.

[5] તેઓ ભૂખ્યા અને તરસ્યા હતા; તેઓના પ્રાણ આકુળવ્યાકુળ થઈ ગયા.

[6] પછી તેઓએ પોતાના સંકટમાં યહોવાહને પોકાર્યાં અને તેમણે તેઓને દુઃખમાંથી છોડાવ્યા.

[7] તેમણે તેઓને સીધે માર્ગે દોર્યા કે જેથી તેઓ વસવાલાયક નગરમાં જાય અને ત્યાં વસવાટ કરે.

[8] તેમની કૃપા તથા માનવજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને લોકો યહોવાહની સ્તુતિ કરે, તો કેવું સારું!

[9] કારણ કે તે તરસ્યાઓને સંતોષ પમાડે છે અને ભૂખ્યાઓને ઉત્તમ વાનાંથી તૃપ્ત કરે છે.

[10] કેટલાક અંધકાર તથા મરણછાયામાં બેઠેલા હતા, આપત્તિમાં તથા બેડીઓમાં સપડાયેલા હતા.

[11] કેમ કે તેઓએ ઈશ્વરની વિરુદ્ધ બળવો કર્યા, પરાત્પર ઈશ્વરની સૂચનાઓનો ઇનકાર કર્યો.

[12] તેઓનાં હૃદયો તેમણે કષ્ટથી નમ્ર કર્યાં; તેઓ લથડી પડ્યા અને તેઓને સહાય કરનાર કોઈ ન હતું.

[13] પછી તેઓએ પોતાના સંકટમાં યહોવાહને પોકાર્યા અને તેમણે તેઓને દુઃખમાંથી ઉગાર્યા.

[14] તે તેઓને અંધકાર અને મરણછાયામાંથી બહાર લાવ્યા અને તેમણે તેઓનાં બંધન તોડી નાખ્યાં.

[15] તેમની કૃપા તથા માનવજાત માટેના તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને લોકો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!

[16] કેમ કે તેમણે પિત્તળના દરવાજા ભાંગી નાખ્યા અને તેઓની લોખંડની ભૂંગળો તોડી નાખી.

[17] તેઓ પોતાના બળવાખોર માર્ગોમાં મૂર્ખ હતા તથા પોતાના પાપથી સંકટમાં આવી પડ્યા.

[18] તેઓના જીવો સર્વ પ્રકારના ખોરાકથી કંટાળી જાય છે અને તેઓ મરણ દ્વાર સુધી આવી પહોંચે છે.

[19] પછી તેઓ પોતાના સંકટમાં યહોવાહને પોકારે છે અને તે તેઓને દુઃખમાંથી ઉગારે છે.

[20] તેઓ પોતાનું વચન મોકલીને તેઓને સાજા કરે છે અને તેમણે તેઓને દુર્દશામાંથી છોડાવ્યા છે.

[21] આ તેમની કૃપા તથા માનવજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!

[22] તેઓને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવવા દો અને તેઓનાં કામ ગીતોથી પ્રગટ કરે.

[23] જેઓ વહાણમાં બેસીને સમુદ્રમાં ઊતરે છે અને સમુદ્રપાર વ્યાપાર કરે છે.

[24] તેઓ યહોવાહનાં કાર્યો તથા સમુદ્ર પરનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો જુએ છે.

[25] કેમ કે તે આજ્ઞા આપે છે અને તોફાની પવનો ચડી આવે છે; તેથી સમુદ્રના મોજાંઓ ઊંચાં ઊછળે છે.

[26] મોજાં આકાશ સુધી ચઢે છે, પછી પાછા ઊંડાણમાં ઊતરે છે. તેઓના પ્રાણ ત્રાસથી આકુળવ્યાકુળ થાય છે.

[27] તેઓ પીધેલાની જેમ આમતેમ ડોલતા લથડે છે અને તેઓની બુદ્ધિ બહેર મારી જાય છે.

[28] પછી તેઓ પોતાના સંકટમાં યહોવાહને પોકારે છે અને તે તેઓને દુઃખમાંથી છોડાવે છે.

[29] તેમણે તોફાનને શાંત કર્યાં અને મોજાં શાંત થયાં.

[30] પછી શાંતિ થવાથી તેઓને આનંદ થાય છે અને તેઓને તેમની પસંદગીના બંદરે દોરી જાય છે.

[31] આ તેમની કૃપા તથા માનવજાતને માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!

[32] લોકોની સભામાં તેમને મોટા મનાવો અને વડીલોની સભામાં તેમની સ્તુતિ કરો.

[33] તે નદીઓને સ્થાને અરણ્ય, પાણીના ઝરાઓને સ્થાને કોરી ભૂમિ,

[34] અને ત્યાં રહેતા લોકોની દુષ્ટતાને કારણે ફળદ્રુપ ભૂમિને ખારવાળી જમીન બનાવે છે.

[35] તે અરણ્યને સ્થાને સરોવર અને કોરી ભૂમિને સ્થાને ઝરાઓ કરી નાખે છે.

[36] તેમાં તે ભૂખ્યાજનોને વસાવે છે અને તેઓ પોતાને રહેવાને માટે નગર બાંધે છે.

[37] તેઓ ખેતરમાં વાવેતર કરે છે; અને દ્રાક્ષવાડીઓમાં રોપણી કરીને તેનાં ફળની ઊપજ મેળવે છે.

[38] તે તેઓને આશીર્વાદ આપે છે, તેથી તેમની પુષ્કળ વૃદ્ધિ થાય છે. તે તેઓનાં જાનવરોને ઓછા થવા દેતા નથી.

[39] તેઓના જુલમ, વિપત્તિ તથા શોક પાછા ઘટાડવામાં આવે છે અને તેઓને નીચા પાડવામાં આવે છે.

[40] તે શત્રુઓના સરદારો પર અપમાન લાવે છે અને માર્ગ વિનાના અરણ્યમાં તેઓને રખડાવે છે.

[41] પણ તે જરૂરિયાતમંદોને સંકટમાંથી છોડાવીને તેઓનું રક્ષણ કરે છે અને ટોળાંની જેમ તેઓના કુટુંબની સંભાળ લે છે.

[42] તે જોઈને ન્યાયીઓ આનંદ પામશે અને સઘળા અન્યાયીઓનાં મુખ બંધ થશે.

[43] જે કોઈ જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે અને યહોવાહની કૃપા વિષે મનન કરશે.

ગીતશાસ્ત્ર — Chapters