Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:38

[1] હે યહોવાહ, તમે શા માટે દૂર ઊભા રહો છો? સંકટના સમયમાં તમે શા માટે સંતાઈ જાઓ છો?

[2] દુષ્ટો ગર્વિષ્ઠ થઈને ગરીબોને બહુ સતાવે છે; પણ તેઓ પોતાની કલ્પેલી યુક્તિઓમાં ફસાઈ જાય છે.

[3] કેમ કે દુષ્ટ લોકો પોતાના અંતઃકરણની ઇચ્છાની તૃપ્તિ થતાં અભિમાન કરે છે; લોભીઓ યહોવાહને ધિક્કારે છે અને તેમની નિંદા કરે છે.

[4] દુષ્ટ પોતાના અહંકારી ચહેરાથી બતાવે છે કે, ઈશ્વર બદલો લેશે નહિ. તેના સર્વ વિચાર એવા છે કે, ઈશ્વર છે જ નહિ.

[5] તે બધા સમયે સુરક્ષિત રહે છે, પણ તમારો ન્યાય એટલો બધો ઊંચો છે કે તે તેના સમજવામાં આવતો નથી; તે પોતાના સર્વ શત્રુઓનો તિરસ્કાર કરે છે.

[6] તે પોતાના હૃદયમાં કહે છે, “હું કદી નિષ્ફળ થઈશ નહિ; પેઢી દરપેઢી હું વિપત્તિમાં નહિ આવું.”

[7] તેનું મુખ શાપ, કપટ તથા જુલમથી ભરેલું છે; તેની જીભમાં ઉપદ્રવ તથા અન્યાય ભરેલા છે.

[8] તે ગામોની છૂપી જગ્યાઓમાં બેસે છે; તે સંતાઈને નિર્દોષનું ખૂન કરે છે; તેની આંખો નિરાધારને છાની રીતે તાકી રહે છે.

[9] જેમ સિંહ ગુફામાં છુપાઈ રહે છે; તેમ તે ગુપ્ત જગ્યામાં ભરાઈ રહે છે. તે ગરીબોને પકડવાને છુપાઈ રહે છે, તે ગરીબને પકડીને પોતાની જાળમાં ખેંચી લઈ જાય છે.

[10] તેઓના બળ આગળ ગરીબો દબાઈને નીચા નમી જાય છે; લાચાર બની તેઓના પંજામાં સપડાઈ જાય છે.

[11] તે પોતાના હૃદયમાં કહે છે, “ઈશ્વર ભૂલી ગયા છે; તેમણે પોતાનું મુખ જોયું નથી, સંતાડી રાખ્યું છે અને તે કદી જોશે નહિ.”

[12] હે યહોવાહ, ઊઠો; હે ઈશ્વર, તમારો હાથ ઊંચો કરો. ગરીબોને ભૂલી ન જાઓ.

[13] દુષ્ટો શા માટે ઈશ્વરનો નકાર કરે છે? અને પોતાના હૃદયમાં કહે છે, “તમે બદલો નહિ માગો.”

[14] તમે જોયું છે; કેમ કે તમારા હાથમાં લેવાને માટે તમે ઉપદ્રવ કરનારા તથા ઈર્ષ્યાખોરોને નજરમાં રાખો છો. નિરાધાર પોતાને તમારા હવાલામાં સોંપે છે; તમે અનાથને બચાવો છો.

[15] દુષ્ટ લોકોના હાથ તમે ભાંગી નાખો; તમે દુષ્ટ માણસની દુષ્ટતાને એટલે સુધી શોધી કાઢો કે કંઈ પણ બાકી રહે નહિ.

[16] યહોવાહ સદાસર્વકાળ રાજા છે; તેમના દેશમાંથી વિદેશીઓ નાશ પામ્યા છે.

[17] હે યહોવાહ, તમે નમ્રની અભિલાષા જાણો છો; તમે તેઓનાં હૃદયોને દૃઢ કરશો, તમે તેઓની પ્રાર્થના સાંભળશો;

[18] તમે અનાથ તથા દુઃખીઓનો ન્યાય કરો તેથી પૃથ્વીનાં માણસો હવે પછી ત્રાસદાયક રહે નહિ.

ગીતશાસ્ત્ર — Chapters