[1] હે યહોવાહ, હું તમને મોટા માનીશ, કારણ કે તમે મને ઊંચો કર્યો છે અને તમે મારા શત્રુઓને મારા પર હર્ષ પામવા દીધા નથી.
[2] હે યહોવાહ, મારા ઈશ્વર, મેં તમને સહાયને માટે અરજ કરી અને તમે મને સાજો કર્યો છે.
[3] હે યહોવાહ, તમે મારા જીવને શેઓલમાંથી કાઢી લાવ્યા છો; તમે મને જીવતો રાખ્યો છે અને મને કબરમાં પડવા દીધો નથી.
[4] હે યહોવાહના વિશ્વાસુ ભક્તો, તેમનાં સ્તોત્ર ગાઓ! તેમના પવિત્ર નામની આભારસ્તુતિ કરો.
[5] તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે; પણ તેમની કૃપા જીવનભર છે. રુદન રાત પર્યંત રહે છે, પણ સવારમાં હર્ષાનંદ થાય છે.
[6] હું નિર્ભય હતો, ત્યારે મેં કહ્યું હતું, “હું કદી ડગીશ નહિ.”
[7] હે યહોવાહ, તમે મારા પર કૃપા કરીને મને પર્વતની જેમ સ્થિર બનાવ્યો છે; પણ જ્યારે તમે મારાથી મુખ ફેરવ્યું, ત્યારે હું ભયભીત થયો.
[8] હે યહોવાહ, મેં તમને પોકાર કર્યો અને મેં મારા પ્રભુને વિનંતી કરી!
[9] જો હું કબરમાં જાઉં તો મારા મરણથી તમને શો લાભ થાય? શું ધૂળ તમારી સ્તુતિ કરશે? શું તે તમારું સત્ય પ્રગટ કરશે?
[10] હે યહોવાહ, સાંભળો અને મારા પર દયા કરો! હે યહોવાહ, તમે મારા સહાયકારી થાઓ.
[11] તમે મારા શોકને નૃત્યમાં ફેરવ્યું છે; તમે મારા શોકનાં વસ્ત્રો ઉતારી લઈને મને ઉત્સાહ રૂપી વસ્ત્રો પહેરાવી દીધાં.
[12] જેથી મારું ગૌરવી હૃદય તમારાં સ્તોત્ર ગાય અને શાંત રહે નહિ; હું આનંદપૂર્વક, યહોવાહ મારા ઈશ્વરની સદાકાળ આભારસ્તુતિ કરીશ!