[1] હે યહોવાહ, મારી વિરુદ્ધ વાદ કરનારની સામે તમે વાદ કરો; મારી વિરુદ્ધ લડનારની સાથે તમે લડાઈ કરો.
[2] નાની તથા મોટી ઢાલ સજીને મારી સહાયને માટે ઊભા થાઓ.
[3] જેઓ મારી પાછળ લાગેલા છે તેઓની વિરુદ્ધ તમારા ભાલાનો ઉપયોગ કરો; મારા આત્માને કહો, “હું તારો ઉદ્ધાર કરનાર છું.”
[4] જેઓ મારા જીવના તરસ્યા છે તેઓ બદનામ થાઓ. જેઓ મારું નુકસાન ઇચ્છે છે, તેઓ રઝળી પડો અને પાછા હઠો.
[5] તેઓ પવનથી ઊડતાં ફોતરાં જેવા થાય, તેઓને યહોવાહનો દૂત નસાડી મૂકો.
[6] તેઓનો માર્ગ અંધકારમય અને લપસણો થાઓ, યહોવાહનો દૂત તેઓની પાછળ પડો.
[7] તેઓએ વગર કારણે મારે માટે ખાડામાં પોતાની જાળ સંતાડી રાખી છે; વિનાકારણ તેઓએ મારા જીવને માટે ખાડો ખોદ્યો છે.
[8] તેઓના પર અચાનક વિપત્તિ આવી પડો. પોતાના જાળમાં તેઓ પોતે જ ફસાઈ પડો. પોતાના ખોદેલા ખાડામાં પડીને તેઓનો સંહાર થાઓ.
[9] પણ હું યહોવાહમાં આનંદ કરીશ અને તેમના ઉદ્ધારમાં હર્ષ પામીશ.
[10] મારા સઘળા બળથી હું કહીશ કે, “હે યહોવાહ, તમારા જેવું કોણ છે? જે દીનને તેના કરતાં વધારે બળવાનથી બચાવે છે અને દીન તથા કંગાલને લૂંટનારાથી છોડાવે છે.”
[11] જૂઠા સાક્ષીઓ ઊભા થાય છે; તેઓ મારા પર આરોપ મૂકે છે.
[12] તેઓ ભલાઈને બદલે મને બુરું પાછું આપે છે. જેથી હું અનાથ થઈ જાઉં છું.
[13] પણ, જ્યારે તેઓ બીમાર હતા, ત્યારે હું ટાટ પહેરતો; હું ઉપવાસથી મારા જીવને દુઃખી કરતો અને મારી પ્રાર્થના મારા હૃદયમાં પાછી આવતી હતી.
[14] તે લોકો જાણે મારા ભાઈઓ અને મારા નજીકના મિત્રો હોય તેવો વર્તાવ મેં તેઓની સાથે રાખ્યો; પોતાની માતાને માટે વિલાપ કરનારની માફક હું શોકથી નમી જતો.
[15] પણ જ્યારે મારી પડતી થઈ, ત્યારે તેઓ હર્ષ પામતા અને ટોળે વળતા; હું તે જાણતો નહિ, એવી રીતે તેઓ મારી વિરુદ્ધ ટોળે વળતા.
[16] કોઈ પણ માન વગર તેઓએ મારી હાંસી ઉડાવી; તેઓએ મારા તરફ દાંત કચકચાવીને ગુસ્સો કર્યો.
[17] હે પ્રભુ, ક્યાં સુધી શાંત બેસી રહી જોયા કરશો? તેઓના સંહારથી મારા જીવને તથા સિંહોથી મારા આત્માને બચાવી લો.
[18] એટલે હું ભરસભામાં તમારી આભારસ્તુતિ કરીશ; ઘણા લોકોની મધ્યે હું તમારી પ્રશંસા કરીશ.
[19] મારા જૂઠા શત્રુઓને મારા પર હસવા દેશો નહિ; જેઓ વિનાકારણ મારો દ્વ્રેષ કરે છે તેઓ આંખના મિચકાર ન મારો.
[20] કારણ કે તેઓનું બોલવું શાંતિદાયક નથી, પણ દેશમાં શાંત રહેનારાઓની વિરુદ્ધ તેઓ દગાબાજી કરે છે.
[21] તેઓ મારી વિરુદ્ધ ખુલ્લા મુખે બોલે છે; તેઓએ કહ્યું, “હા, હા, અમારી આંખોએ તે જોયું છે.”
[22] હે યહોવાહ, તમે તે જોયું છે, તમે ચૂપ ન રહો; હે પ્રભુ, મારાથી દૂર ન જાઓ.
[23] મારો ન્યાય કરવા માટે જાગૃત થાઓ; હે મારા ઈશ્વર અને મારા પ્રભુ, મારી દાદ સાંભળવા માટે જાગો.
[24] હે મારા ઈશ્વર યહોવાહ, તમારા ન્યાયીપણાથી મારો ન્યાય કરો; તેઓને મારા પર આનંદ કરવા ન દો.
[25] તેઓને પોતાના હૃદયમાં એમ કહેવા ન દો કે, “આહા, અમારે જે જોઈતું હતું, તે અમારી પાસે છે.” તેઓને એમ કહેવા ન દો કે, “અમે તેને ગળી ગયા છીએ.”
[26] મારા નુકસાનમાં આનંદ પામનારા સર્વ બદનામ થાઓ અને ઝંખવાણા પડો. મારી વિરુદ્ધ બડાઈ કરનારાઓ અપમાનિત થઈને શરમાઈ જાઓ.
[27] જેઓ મારા ન્યાયીપણામાં આનંદ કરે છે; તેઓ હર્ષ પામીને જયજયકાર કરો; તેઓ હમેશાં કહો, જે પોતાના સેવકની આબાદીમાં ખુશ રહે છે, તે યહોવાહની સ્તુતિ થાઓ.
[28] ત્યારે હું તમારું ન્યાયીપણું પ્રગટ કરીશ અને આખો દિવસ હું તમારાં સ્તોત્ર ગાઈશ.