Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:43

[1] હે મારા સ્તુતિના ઈશ્વર, તમે શાંત ન રહો.

[2] કારણ કે દુષ્ટ અને કપટી માણસો મારા પર હુમલાઓ કરે છે; તેઓ મારી વિરુદ્ધ જૂઠું બોલે છે.

[3] તેઓએ મને તિરસ્કૃત શબ્દોથી ઘેરી લીધો છે અને કોઈ કારણ વગર મારી સાથે લડાઈ કરવા હુમલો કરે છે.

[4] તેઓ મારી પ્રીતિના બદલામાં મારા શત્રુ થયા છે, પણ હું તેઓને માટે પ્રાર્થના જ કરું છું.

[5] તેઓ ઉપકારને બદલે અપકાર કરે છે અને તેઓ મારા પ્રેમને ધિક્કારે છે.

[6] મારા શત્રુનો સામનો કરવા માટે એક દુષ્ટ માણસને નિયુક્ત કરો; તેને જમણે હાથે કોઈ અપ્રામાણિકને ઊભો રાખો.

[7] જ્યારે તે ન્યાય કરે, ત્યારે તે અપરાધી ઠરો; તેની પ્રાર્થના પાપરૂપ ગણાઓ.

[8] તેના દિવસો થોડા થાઓ; તેનું સ્થાન બીજા કોઈ લઈ લો.

[9] તેના સંતાનો અનાથ અને તેની પત્ની વિધવા થાઓ.

[10] તેના સંતાનો રખડીને ભીખ માગો, ઉજ્જડ થયેલાં પોતાના ઘરોમાંથી તેઓને નસાડી મૂકવામાં આવે.

[11] તેનો લેણદાર જોરજુલમથી તેનું બધું લઈ જાઓ; તેની મહેનતનું ફળ અજાણ્યા લૂંટી જાઓ.

[12] તેના પર દયા રાખનાર કોઈ ન રહો; તેનાં અનાથ બાળકો પર કોઈ કૃપા રાખનાર ન રહો.

[13] તેના વંશજોનો ઉચ્છેદ થાઓ; આવતી પેઢીમાંથી તેનું નામ સંપૂર્ણપણે ભૂંસાઈ જાઓ.

[14] તેના પિતૃઓનાં પાપ યહોવાહને યાદ રહો; અને તેની માતાનું પાપ માફ કરવામાં ન આવો.

[15] તેનાં પાપો નિત્ય યહોવાહની નજરમાં રહો; યહોવાહ તેનું નામ પૃથ્વી પરથી ઉખેડી નાખે.

[16] કારણ કે તેણે બીજાઓ પ્રત્યે દયા કરવાનું ચાહ્યું નહિ, પણ નિરુત્સાહીની હત્યા કરવા માટે અને ગરીબ તથા જરૂરતમંદને સતાવ્યા.

[17] બીજાઓને શાપ આપવામાં તે ખુશ હતો; માટે એ શાપ તેને લાગો. તે આશીર્વાદને ધિક્કારતો; તેથી તેના પર કોઈ આશીર્વાદ ન આવો.

[18] તેણે વસ્ત્રની જેમ પોતાના શરીર પર શાપ ધારણ કર્યો હતો અને તેનો શાપ પાણીની માફક તેના અંતઃકરણમાં તેના હાડકામાં તેલની જેમ પ્રસરી જતો હતો.

[19] પહેરવાનાં વસ્ત્રની જેમ તે તેને આચ્છાદિત કરનાર થાઓ કમરબંધની જેમ તે સદા વીંટળાઈ રહો.

[20] જેઓ મારા શત્રુ છે અને જેઓ મારા આત્માની વિરુદ્ધ બોલનાર છે, તેઓને યહોવાહ તરફથી આવો બદલો મળો.

[21] હે યહોવાહ, મારા પ્રભુ, તમે તમારા નામની ખાતર મારા માટે લડો. કેમ કે તમારી કૃપા ઉત્તમ છે, મારો બચાવ કરો.

[22] કેમ કે હું ગરીબ તથા દરિદ્રી છું અને મારું હૃદય ઊંડે સુધી ઘાયલ થયું છે.

[23] હું નમી ગયેલી છાયાના જેવો થઈ ગયો છું; મને તીડની જેમ ખંખેરી નાખવામાં આવે છે.

[24] ઉપવાસથી મારાં ઘૂંટણ નબળા પડ્યાં છે; મારું માંસ પુષ્ટિ વિના ઘટી ગયું છે.

[25] હું સર્વ માણસો માટે નિષ્ફળતાનું પ્રતીક બન્યો છું; જ્યારે તેઓ મને જુએ છે, ત્યારે તેઓ પોતાના માથાં હલાવે છે.

[26] હે યહોવાહ મારા ઈશ્વર, મને મદદ કરો; તમારી કૃપા પ્રમાણે મારો બચાવ કરો.

[27] તેઓ જાણે કે આ તમે કર્યું છે, હે યહોવાહ, તમે જ આ કર્યું છે,

[28] જો તેઓ મને શાપ આપે, તો કૃપા કરી તેમને આશીર્વાદ આપજો; જ્યારે તેઓ હુમલો કરે, ત્યારે તેઓ શરમાઈ જાઓ, પણ તમારો સેવક આનંદ કરે.

[29] મારા શત્રુઓ વસ્ત્રની જેમ બદનામીથી શરમ અનુભવો અને ઝભ્ભાની જેમ તેઓ શરમથી ઢંકાઈ જાઓ.

[30] હું વારંવાર યહોવાહનો આભાર માનીશ; હું ઘણા લોકોમાં તેમની સ્તુતિ ગાઈશ.

[31] કારણ કે દરિદ્રીના આત્માને અપરાધી ઠરાવનારાઓથી ઉદ્ધાર આપવાને માટે યહોવાહ તેને જમણે હાથે ઊભા રહેશે.

ગીતશાસ્ત્ર — Chapters