[1] હું મારા ખરા હૃદયથી તમારી આભારસ્તુતિ કરીશ; હું દેવોની આગળ તમારાં સ્તોત્ર ગાઈશ.
[2] હું તમારા પવિત્રસ્થાન તરફ ફરીને દંડવત્ પ્રણામ કરીશ તમારી કૃપા તથા સત્યતાને લીધે હું તમારા નામનો આભાર માનીશ.
[3] મેં તમને પ્રાર્થના કરી, તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો; તમે મારા આત્માને ઉત્તેજન આપીને બળવાન કર્યો છે.
[4] હે યહોવાહ, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે, તેથી તેઓ તમારી સ્તુતિ કરશે.
[5] તેઓ યહોવાહનાં કાર્યો વિષે ગીત ગાશે, કારણ કે યહોવાહનો મહિમા મહાન છે.
[6] જો કે યહોવાહ સર્વોચ્ચ છે, તોપણ તે દિન લોકોની કાળજી લે છે, પણ ગર્વિષ્ઠોને તો તે દૂરથી જ ઓળખે છે.
[7] જો મારે સંકટમાં ચાલવું પડશે, તો પણ તમે મને જિવાડશો; મારા શત્રુઓના ક્રોધની સામે તમે તમારો હાથ લાંબો કરશો અને તમારો જમણો હાથ મારો બચાવ કરશે.
[8] યહોવાહ અંત સુધી મારી સાથે છે; હે યહોવાહ, તમારી કૃપા સદાકાળ ટકે છે; તમારા હાથથી બનાવેલા તમારા લોકોનો ત્યાગ કરશો નહિ.