[1] હે યહોવાહ, તમારા ક્રોધમાં મને ધમકાવશો નહિ અને તમારા રોષમાં મને શિક્ષા કરશો નહિ.
[2] હે યહોવાહ, મારા પર દયા રાખો, કારણ કે હું નિર્બળ છું; હે યહોવાહ, મને સાજો કરો, કારણ કે મારાં હાડકાંમાં પીડા થાય છે.
[3] મારો જીવ પણ બહુ મૂંઝાયો છે. પણ, હે યહોવાહ, તે ક્યાં સુધી?
[4] હે યહોવાહ, પાછા આવો, મારા જીવને બચાવો. તમારી કૃપાને લીધે મારો બચાવ કરો!
[5] કેમ કે મરણાવસ્થામાં કોઈ તમારું સ્મરણ કરતું નથી. શેઓલમાં તમારો આભાર કોણ માનશે?
[6] હું નિસાસા નાખીને થાકી ગયો છું. દરરોજ રાત્રે હું મારા આંસુઓથી પલંગને પલાળું છું; હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું.
[7] રુદનથી મારી આંખો નબળી થઈ ગઈ છે; મારા સર્વ શત્રુઓને લીધે તે જીર્ણ થતી જાય છે.
[8] ઓ ભૂંડુ કરનારાઓ, તમે સર્વ મારાથી દૂર જાઓ; કેમ કે યહોવાહે મારા વિલાપનો અવાજ સાંભળ્યો છે.
[9] યહોવાહે મારા કાલાવાલા સાંભળ્યા છે; યહોવાહે મારી પ્રાર્થના માન્ય કરી છે.
[10] મારા સર્વ શત્રુઓ લજવાશે અને ભારે મુશ્કેલીમાં આવી પડશે. તેઓ પાછા ફરશે અને ઓચિંતા બદનામ થશે.