Skip to content
Opens in a new window
Listen to this chapter • 1:50

[1] હે સૈન્યોના યહોવાહ, તમારું નિવાસસ્થાન કેવું મનોહર છે!

[2] મારો આત્મા યહોવાહના આંગણાની અભિલાષા રાખે છે; જીવતા જાગતા ઈશ્વર માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે.

[3] ચકલીઓને ઘર મળ્યું છે અને અબાબીલને પોતાનાં બચ્ચાં રાખવા માટે માળો મળ્યો છે એટલે તમારી વેદીઓ આગળ, હે સૈન્યોના યહોવાહ, મારા રાજા તથા મારા ઈશ્વર.

[4] તમારા ઘરમાં રહેનારાઓ આશીર્વાદિત છે; તેઓ સદા તમારાં સ્તુતિગાન ગાશે. સેલાહ

[5] જે માણસનું સામર્થ્ય તમારામાં છે, જેઓનાં હૃદય સિયોનના માર્ગો ધ્યાનમાં રાખે છે, તેઓ આશીર્વાદિત છે.

[6] રુદનના નીચાણને ઓળંગતા તેઓ તેને ઝરાની જગ્યા બનાવે છે. પ્રથમ વરસાદ તેને આશીર્વાદથી ભરપૂર કરશે.

[7] તેઓ વધારે અને વધારે સામર્થ્યવાન થતાં જાય છે; તેઓમાંનો દરેક જણ સિયોનમાં ઈશ્વરની સમક્ષ હાજર થાય છે.

[8] હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; હે યાકૂબના ઈશ્વર, હું જે પ્રાર્થના કરું, તે પર ધ્યાન આપો! સેલાહ

[9] હે ઈશ્વર, અમારી ઢાલને જુઓ; તમારા અભિષિક્ત માટે કાળજી રાખો.

[10] કારણ કે હજાર દિવસ કરતાં તમારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે. દુષ્ટોના તંબુમાં રહેવું તે કરતાં મારા ઈશ્વરના ઘરના દરવાન થવું, તે મને વધારે પસંદ છે.

[11] કારણ કે યહોવાહ ઈશ્વર આપણા સૂર્ય તથા ઢાલ છે; યહોવાહ કૃપા તથા ગૌરવ આપશે; ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ શ્રેષ્ઠ બાબત બાકી રાખશે નહિ.

[12] હે સૈન્યોના યહોવાહ, જે માણસ તમારા પર ભરોસો રાખે છે તે આશીર્વાદિત છે.

ગીતશાસ્ત્ર — Chapters