Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:15

[1] હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન. હે યહોવાહ મારા ઈશ્વર, તમે અતિ મહાન છો; તમે વૈભવ તથા ગૌરવ ધારણ કર્યાં છે.

[2] તમે વસ્ત્રની જેમ અજવાળું પહેર્યું છે; પડદાની જેમ તમે આકાશને વિસ્તારો છો.

[3] તમારા આકાશી ઘરનો પાયો તમે અંતરિક્ષનાં પાણી પર નાખ્યો છે; તમે વાદળાંને તમારા રથ બનાવ્યા છે; તમે પવનની પાંખો પર સવારી કરો છો.

[4] તમે પવનોને તમારા દૂત બનાવો છો અને તમારા સેવકો અગ્નિના ભડકા છે.

[5] તમે પૃથ્વીને તેના પાયા પર સ્થિર કરી છે જેથી તે ખસે નહિ.

[6] તમે પૃથ્વીને વસ્ત્રની જેમ જળના ભંડારોથી આચ્છાદિત કરો છો; પાણીએ પર્વતોને આચ્છાદિત કર્યાં છે.

[7] તમારી ધમકીથી તેઓ નાસી ગયાં; તમારી ગર્જનાથી તેઓ જતાં રહ્યાં.

[8] પહાડો ચઢી ગયા અને ખીણો ઊતરી ગઈ જે સ્થળ તમે પાણીને માટે મુકરર કર્યું હતું, ત્યાં સુધી તે પ્રસરી ગયાં.

[9] તેઓ ફરીથી પૃથ્વીને ઢાંકે નહિ માટે તમે તેઓને માટે હદ બાંધી છે કે જેથી તેઓ તે પાર ન કરી શકે;

[10] તેમણે ખીણોમાં વહેતાં ઝરણાં બનાવ્યાં; તે પર્વતોની વચ્ચે વહે છે.

[11] તે સર્વ પશુઓને પાણી પૂરું પાડે છે; રાની ગધેડાંઓ પણ પોતાની તરસ છિપાવે છે.

[12] આકાશના પક્ષીઓ ઝરણાંઓને કિનારે માળા બાંધે છે; વૃક્ષોની ડાળીઓ મધ્યે ગાયન કરે છે.

[13] તે ઓરડામાંથી પર્વતો પર પાણી સિંચે છે. પૃથ્વી તેમનાં કામના ફળથી તૃપ્ત થાય છે.

[14] તે જાનવરને માટે ઘાસ ઉપજાવે છે અને માણસના માટે શાકભાજી ઉપજાવે છે કે જેથી માણસ ભૂમિમાંથી અન્ન ઉપજાવે છે.

[15] તે માણસને આનંદ આપનાર દ્રાક્ષારસ, તેના મુખને તેજસ્વી કરનાર તેલ અને તેના જીવનને બળ આપનાર રોટલી તે નિપજાવે છે.

[16] યહોવાહનાં વૃક્ષો, એટલે લબાનોનનાં દેવદારો; જે તેમણે રોપ્યાં હતાં, તેઓ પાણીથી ભરપૂર છે.

[17] ત્યાં પક્ષીઓ પોતાના માળા બાંધે છે. વળી દેવદાર વૃક્ષ બગલાઓનું રહેઠાણ છે.

[18] ઊંચા પર્વતો પર રાની બકરાઓને અને ખડકોમાં સસલાને રક્ષણ અને આશ્રય મળે છે.

[19] ઋતુઓને માટે તેમણે ચંદ્રનું સર્જન કર્યું; સૂર્ય પોતાનો અસ્તકાળ જાણે છે.

[20] તમે અંધારું કરો છો એટલે રાત થાય છે ત્યારે જંગલનાં પશુઓ બહાર આવે છે.

[21] સિંહનાં બચ્ચાં શિકાર માટે ગર્જના કરે છે અને તેઓ ઈશ્વર પાસે પોતાનું ભોજન માગે છે.

[22] સૂર્ય ઊગે કે તરત તેઓ જતાં રહે છે અને પોતાના કોતરોમાં સૂઈ જાય છે.

[23] માણસ પોતાના કામકાજ કરવા બહાર આવે છે અને સાંજ સુધી પોતાનો ઉદ્યોગ ચલાવે છે.

[24] હે યહોવાહ, તમારાં કામ કેવાં તરેહતરેહનાં છે! તમે તે સર્વને બુદ્ધિપૂર્વક બનાવ્યાં છે; તમારી બનાવેલી વસ્તુઓથી પૃથ્વી ભરપૂર છે.

[25] જુઓ આ વિશાળ તથા ઊંડા સમુદ્રમાં, અસંખ્ય જીવજંતુઓ, નાનાંમોટાં જળચરો છે.

[26] વહાણો તેમાં આવજા કરે છે અને જે મગરમચ્છ તેમાં રમવા માટે તમે ઉત્પન્ન કર્યાં છે તે સમુદ્રમાં રહે છે.

[27] તમે તેઓને યોગ્ય સમયે ખાવાનું આપો છો, તેથી આ સર્વ તમારી રાહ જુએ છે.

[28] જ્યારે તમે તેઓને આપો છો, ત્યારે તેઓ ભેગા થાય છે; જ્યારે તમે તમારો હાથ ખોલો છો, ત્યારે તેઓ તૃપ્ત થાય છે.

[29] જ્યારે તમે તમારું મુખ ફેરવો છો, ત્યારે તેઓ ગભરાઈ જાય છે; જો તમે તેઓનો પ્રાણ લઈ લો છો, તો તેઓ મરણ પામે છે અને પાછાં ધૂળમાં મળી જાય છે.

[30] જ્યારે તમે તમારો આત્મા મોકલો છો, ત્યારે તેઓ ઉત્પન્ન થાય છે અને તમે દેશભરનું નવીકરણ કરો છો.

[31] યહોવાહનો મહિમા સદાકાળ ટકી રહો; પોતાના સર્જનથી યહોવાહ આનંદ પામો.

[32] તે પૃથ્વી પર દ્રષ્ટિ કરે છે અને તે કંપે છે; તે પર્વતોને સ્પર્શે છે અને તેઓમાંથી ધુમાડો નીકળે છે.

[33] હું જીવનપર્યંત યહોવાહની પ્રશંસાનાં ગીતો ગાઈશ; હું મારા છેલ્લાં શ્વાસ સુધી યહોવાહની સ્તુતિ કરીશ.

[34] તેમના માટેના મારા શબ્દો વડે તે પ્રસન્ન થાઓ; હું યહોવાહમાં આનંદ કરીશ.

[35] પૃથ્વીમાંથી સર્વ પાપીઓ નાશ પામો અને દુષ્ટોનો અંત આવો. હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન. યહોવાહની સ્તુતિ કરો.

ગીતશાસ્ત્ર — Chapters