[1] આકાશો ઈશ્વરનો મહિમા પ્રગટ કરે છે અને અંતરિક્ષ તેમના હાથનું કામ દર્શાવે છે!
[2] દિવસ દિવસને તેમના વિષે કહે છે; રાત રાતને તેમનું ડહાપણ પ્રગટ કરે છે.
[3] ત્યાં વચન નથી અને શબ્દો પણ નથી; તેઓની વાણી સંભાળતી નથી.
[4] તેઓનો વિસ્તાર આખી પૃથ્વીમાં છે અને જગતના છેડા સુધી તેઓની સાક્ષી ફેલાયેલી છે. તેઓમાં ઈશ્વરે સૂર્યને માટે મંડપ ઊભો કર્યો છે.
[5] સૂર્ય પોતાના ઓરડામાંથી નીકળતા વરરાજા જેવો છે અને તે બળવાન માણસની જેમ પોતાની શરત દોડવામાં આનંદ માને છે.
[6] તે આકાશને એક છેડેથી નીકળી આવે છે અને તેના બીજા છેડા સુધી પરિક્રમણ કરે છે; તેની ઉષ્ણતા પામ્યા વિના કોઈ બાકી રહી જતું નથી.
[7] યહોવાહના નિયમો સંપૂર્ણ છે, તે આત્માને તાજગી આપે છે; યહોવાહની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે ભોળાને બુદ્ધિમાન કરે છે.
[8] યહોવાહના વિધિઓ યથાર્થ છે, તેઓ હૃદયને આનંદ આપે છે; યહોવાહની આજ્ઞાઓ નિર્મળ છે, જે આંખોને પ્રકાશ આપે છે.
[9] યહોવાહનો ભય શુદ્ધ અને અનાદિ છે; યહોવાહના ઠરાવો સત્ય તથા તદ્દન ન્યાયી છે.
[10] તે શુદ્ધ સોના કરતાં, પણ વધુ પસંદ કરવા યોગ્ય છે; વળી મધપૂડાનાં ટીપાં કરતાં તેઓ વધારે મીઠાં છે.
[11] હા, તેનાથી તમારા સેવકને ચેતવણી મળે છે તેઓને પાળવામાં મોટો લાભ છે.
[12] પોતાની ભૂલો કોણ જાણી શકે? છાના પાપથી તમે મને મુક્ત કરો.
[13] જાણી જોઈને કરતાં પાપથી તમે તમારા સેવકને અટકાવો; તેઓને મારા પર રાજ કરવા ન દો. એટલે હું સંપૂર્ણ થઈશ અને હું મહાપાપમાંથી બચી જઈશ.
[14] હે યહોવાહ, મારા ખડક તથા મારા ઉદ્ધારનાર મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો તમારી આગળ માન્ય થાઓ.