Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:12

[1] યહોવાહ મારો ખડક છે, તેમની સ્તુતિ કરો, તે મારા હાથને અને મારી આંગળીઓને યુદ્ધમાં લડતાં શીખવે છે.

[2] તમે મારા કૃપાનિધિ, મારો ગઢ, મારો ઊંચો કિલ્લો તથા મારા બચાવનાર છો, તમે મારી ઢાલ તથા જેમના પર મારો ભરોસો છે તે તમે જ છો, તમે દેશોને મારે તાબે કરો છો.

[3] હે યહોવાહ, માણસ તે શા લેખામાં છે કે, તમે તેની કાળજી રાખો છો અથવા માણસનો દીકરો કોણ કે તેના વિષે તમે વિચારો છો?

[4] માણસ તો શ્વાસ જેવું છે; તેના દિવસો સરી જતી છાયા જેવા છે.

[5] હે યહોવાહ, તમારાં આકાશોને નીચે નમાવીને ઊતરી આવો; પર્વતોને સ્પર્શ કરો, એટલે તેઓ ધુમાડો કાઢશે.

[6] વીજળી ચમકાવો અને મારા શત્રુઓને વિખેરી નાખો; તમારાં બાણ છોડીને તેઓને હરાવી દો.

[7] ઉપરથી તમારા હાથ લંબાવો; ઘણા પાણીમાંથી મારો છુટકારો કરો વિદેશીઓના હાથમાંથી મને બચાવો.

[8] તેઓનાં મુખ જૂઠું બોલે છે અને તેઓનો જમણો હાથ તો જૂઠનો હાથ છે.

[9] હે ઈશ્વર, હું તમારે માટે નવું ગીત ગાઈશ; દશ તારવાળાં વાજિંત્ર સાથે હું તમારી સમક્ષ નવું ગીત ગાઈશ.

[10] તમે રાજાઓને તારણ આપો છો; તમે તમારા સેવક દાઉદને ઘાતકી તલવારથી બચાવ્યો.

[11] મને છોડાવો અને મને આ વિદેશીઓના હાથમાંથી મુક્ત કરો તેઓનું મુખ મિથ્યા બોલે છે તેઓના જમણા હાથો કપટના હાથો છે.

[12] અમારા પુત્રો પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ; અને અમારી પુત્રીઓ રાજમહેલની શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ.

[13] અમારી વખારો વિવિધ જાતનાં બધાં અનાજથી ભરપૂર થાઓ; અને અમારાં ઘેટાં અમારા વાડાઓમાં હજારો અને દશ હજારો બચ્ચાંને જન્મ આપનારાં થાઓ.

[14] અમારા બળદો ખેતરોની પેદાશથી લાદેલા થાઓ; ગાબડું પાડનાર કોઈ પણ ન થાઓ; નાસી છૂટનાર કોઈ ન હો અને શેરીઓમાં કોઈ બૂમ ન પડો.

[15] જે લોકો આવા હોય છે તેઓ આશીર્વાદિત હોય છે; જેઓનો ઈશ્વર યહોવાહ છે તેઓ આનંદિત છે.

ગીતશાસ્ત્ર — Chapters