Skip to content
Opens in a new window
Listen to this chapter • 1:25

[1] હે ઈશ્વર, મારી ફરિયાદનો પોકાર સાંભળો; શત્રુના ભયથી મારા જીવનનો બચાવ કરજો.

[2] દુષ્ટોનાં કાવતરાંથી, અન્યાય કરનારાઓનાં હુલ્લડથી મને સંતાડો.

[3] તેઓએ તલવારની જેમ તેમની જીભને તીક્ષ્ણ કરી છે; તેઓનો ઉદ્દેશ્ય બાણ, એટલે કડવા શબ્દો છે,

[4] કે જેથી તેઓ એકાંતમાં નિર્દોષ માણસને મારે; અચાનક તેઓ તેને મારે છે અને બીતા નથી.

[5] તેઓ પોતાની દુષ્ટ ધારણા દ્રઢ કરે છે; તેઓ ગુપ્ત જાળ બિછાવવાને મસલત કરે છે; તેઓ કહે છે કે, “અમને કોણ જોશે?”

[6] તેઓ પાપમય યોજનાઓ શોધે છે; તેઓ કહે છે, “સાવધાનીપૂર્વકની યોજના, તે અમે પૂર્ણ કરી છે.” માણસના આંતરિક વિચારો તથા હૃદયો ઊંડાં છે.

[7] પણ ઈશ્વર તેઓને તાકીને બાણ મારશે; તેઓ એકાએક ઘાયલ થઈ જશે.

[8] એમ તેઓ ઠોકર ખાશે, તેમની જીભ તેઓને નડશે; જેઓ તેમને જોશે તેઓ સર્વ માથાં ધુણાવશે.

[9] દરેક લોકો બીશે અને ઈશ્વરનાં કાર્યો પ્રગટ કરશે. તેઓ તેમનાં કામ વિષે સમજણથી વિચારશે.

[10] ન્યાયીઓ યહોવાહ વિષે આનંદ કરશે અને તેમના પર ભરોસો રાખશે; હૃદયના સર્વ યથાર્થીઓ ગર્વ કરશે.

ગીતશાસ્ત્ર — Chapters