[1] યહોવા શાસન કરે છે. હે પૃથ્વી, આનંદિત થાઓ! હે દૂરનાં પ્રદેશો, સુખી થાઓ!
[2] તેની આસપાસ મેઘ ને અંધકાર છે; ન્યાયીપણું તથા ન્યાય તેના રાજ્યાસનનો પાયો છે.
[3] અગ્નિ તેમની આગળ ચાલે છે અને તેમનાં સર્વ શત્રુઓને ભસ્મ કરે છે.
[4] તેમની વીજળીઓ જગતને ચમકાવે છે અને પ્રકાશિત કરે છે; તે જોઇને પૃથ્વી થરથર કાંપે છે.
[5] પૃથ્વી પરના બધાં પર્વતો સમગ્ર પૃથ્વીના પ્રભુ યહોવા સમક્ષ મીણની જેમ પીગળી ગયાં.
[6] તેનું ન્યાયીપણું આકાશો પ્રગટ કરે છે; અને સર્વ લોકોએ તેનો મહિમા જોયો છે.
[7] મૂર્તિઓનું પૂજન કરનારા અને તેના વિષે ડંફાસ હાંકનારા સહુ શરમાઓ, તેમના “દેવો” નમશે અને યહોવાની ઉપાસના કરશે.
[8] હે યહોવા, તમારા અદલ ન્યાયથી સિયોન આનંદ પામ્યું, તે સાંભળી યહૂદિયાની દીકરીઓ હરખાઇ.
[9] હે યહોવા, સમગ્ર પૃથ્વીના પરાત્પર દેવ છો; અને તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો.
[10] હે યહોવા, પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાને ધિક્કારો, તે પોતાના ભકતોના આત્માઓનું રક્ષણ કરે છે. તે તેઓને દુષ્ટોના હાથમાંથી છોડાવે છે.
[11] સજ્જનો પર તેજ પ્રકાશે છે, જેઓના હૃદય શુદ્ધ છે તેઓને સુખથી ભરી દેવામાં આવે છે.
[12] હે ન્યાયી લોકો, તમે યહોવામાં આનંદ કરો; અને તેનાં પવિત્ર નામને માન આપો!