[1] હે સર્વ પૃથ્વીવાસી લોકો, તમે દેવ સંમુખ હર્ષના ગીત ગાઓ.
[2] તેમનાં નામનાં ગૌરવની સ્તુતિ ગાઓ. સ્તુતિગાનથી તેમને મહિમાવાન કરો.
[3] દેવને કહો, તમારા કામ કેવાં અદ્ભૂત છે! શત્રુઓ તમારા સાર્મથ્યથી તમારી આગળ નમે છે.
[4] આખી પૃથ્વીની બધી પ્રજાઓ તમારી આગળ નમી જશે, અને તમારી ઉપાસના કરશે, તેઓ તમારા નામનાં ગૌરવની સ્તુતિ ગાશે.
[5] આવો, અને દેવના મહાન કૃત્યો નિહાળો; કેવાં આશ્ચર્યકારક કાર્યો તેમણે લોકો માટે કર્યા છે!
[6] સૂકવી નાખ્યો તેણે સમુદ્રને, તેનાં લોકોએ પગે ચાલીને નદી પાર કરી. ત્યાં અમે તેનામાં આનંદિત થયા.
[7] તે પોતાના પરાક્રમથી સદાકાળ રાજ કરે છે; પ્રજાઓની સર્વ હિલચાલ તેની આંખો જુએ છે, બંડખોર પ્રજાજનો દેવ વિરુદ્ધ માથું ઊંચુ નહિ કરે.
[8] હે પ્રજાજનો, આપણા દેવને, ધન્યવાદ આપો અને તેનાં સ્તવનનો ધ્વનિ સંભળાવો.
[9] તે આપણા આત્માને જીવનમાં સુરક્ષિત રાખે છે, અને આપણા પગને લપસી જવા દેતાં નથી.
[10] હે યહોવા, તમે અમારી કસોટી કરી છે; અમને ચાંદીની જેમ અગ્નિથી શુદ્ધ કર્યા છે.
[11] તમે અમને તમારી જાળમાં પકડ્યાં છે; અને અમારી પીઠ પર ભારે બોજો મૂક્યો છે.
[12] તમે અમારા શત્રુઓને અમારા ઉપર ચાલવા દીધાં, અમને અગ્નિ અને પાણીમાંથી ચાલવું પડ્યું; પણ તમે અમને અંતે સંપત્તિ અને સમૃદ્ધિનાં સ્થળે લઇ આવ્યા.
[13] દહનાર્પણો લઇને હું તમારા મંદિરમાં આવીશ, હું તમારી સંમુખ માનતાઓ પૂર્ણ કરીશ.
[14] હું સંકટમાં હતો ત્યારે મેં તમારી સમક્ષ પ્રતિજ્ઞાઓ લીધી હતી.
[15] તેથી હું તમારી પાસે આ પુષ્ટ બકરાં, ઘેટાં અને વાછરડાં લાવ્યો છું; તમારી સમક્ષ દહનાર્પણોની ધૂપ પહોંચશે.
[16] હે દેવનાં ભકતો, તમે સર્વ સાંભળો; તેમણે મારા હકમાં જે કાંઇ કર્યુ છે તે હું તમને કહીશ.
[17] મેં મારા મુખે તમને અરજ કરી, અને મારી જીભે તેમનું સ્તવન કર્યુ.
[18] જો હું મારા હૃદયમાઁ દુષ્ટતા કરવાનો ઇરાદો રાખું તો યહોવા મારું નહિ સાંભળે.
[19] પણ દેવે ચોક્કસ મારું સાંભળ્યું છે, અને મારી પ્રાર્થના પર કાન ધર્યા છે.
[20] સ્તુતિ હો દેવની, તેમણે મારી પ્રાર્થના નકારી કાઢી નથી, કે મારા પરની કૃપા તેમણે અટકાવી નથી.