[1] હે યહોવા, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે; અને તમે મારા વિષે બધું જાણો છો.
[2] મારું બેસવું તથા ઊઠવું તમે જાણો છો; મારા વિચારો પણ તમે વેગળેથી સમજો છો.
[3] તમે જાણો છો હું ક્યાં જઇ રહ્યો છું અને હું ક્યારે સુઇ જાઉ છું. હું જે બધું કરું છું તે તમે જાણો છો.
[4] હું બોલું તે અગાઉ તમે જાણો છો, કે હું શું કહેવા ઇચ્છુ છું.
[5] તમે મને આગળને પાછળ ઘેરી લીધો છે; અને તમે તમારા હાથે મને ઝાલી રાખ્યો છે.
[6] આવું જ્ઞાન મને તો અતિ ભવ્ય અને અદૃભૂત છે; તે અતિ ઉચ્ચ છે, હું તેને કળી શકતો નથી.
[7] તમારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં? તમારી હાજરી માંથી હું ક્યાઁ નાસી જાઉ?
[8] જો હું આકાશમાં જાઉં તો તમે ત્યાં છો; જો હું શેઓલમાં જાઉં તો પણ તમે ત્યાં જ છો.
[9] જો હું પરોઢિયાની પાંખો પર સમુદ્રોને પેલે પાર ઘણે દૂર જાઉં
[10] તો ત્યાં પણ મને તમારો હાથ દોરશે; તમારું સાર્મથ્ય મને સહાય કરશે.
[11] જો હું અંધકારમાં સમાઇ જવાનો પ્રયત્ન કરું તો રાત મારી આસપાસ પ્રકાશરૂપ થશે.
[12] અંધકાર પણ મને સંતાડી શકતો નથી યહોવાથી; તમારી આગળ રાત પણ દિવસની જેમ પ્રકાશે છે; અંધકાર અને પ્રકાશ બંને છે તમારી દ્રષ્ટિમાં સમાન.
[13] મારું અંત:કરણ તમે ઘડ્યુઁ છે, અને મારી માતાના ઉદરમાં મારી રચના તમે કરી છે.
[14] ભય તથા નવાઇ પમાડે તે રીતે મારી રચના થઇ; માટે હું તમારી આભાર સ્તુતિ ગાઇશ; હું સારી રીતે જાણું છું કે તમારાં કાર્યો ખરેખર અદૃભૂત છે!
[15] જ્યારે મારી માતાનાં ગર્ભાશયમાં સંતાઇને મારી રચના થતી હતી ત્યારે પણ તમે મારાં હાડકાને બનતા નિહાળ્યાં હતા અને જ્યારે મારું શરીર આકાર લેતું હતું.
[16] તમારી આંખોએ મારું બીજાંકુર તે સમયે જોયુ હતુ જ્યારે મારા શરીરના એકેય અવયવે આકાર લીધો ન હતો. પછી તમે મારા શરીરના અંગોને વધતા જોયા, તમે તેને તમારા પુસ્તકમાં દરરોજ એ જેમ જેમ આકાર લેતા ગયા તેમ નોંધ્યા. અને તેમાનાં એકેય ગુમ થયેલ નથી!
[17] હે દેવ, તારા વિચારો મારા માટે કેટલાં કિંમતી છે! દેવ તમે ઘણું બધું જાણો છો!
[18] જો હું તમારા વિચારોને ગણવાનો પ્રયત્ન કરું તો તેઓ રેતીના કણ કરતાંય વધારે થાય, અને જ્યારે હું તેમને ગણવાનું પૂરું કરીશ તો હજી પણ હું તારી સાથે હોઇશ!
[19] હે યહોવા, તમે દુષ્ટોનો ખચીત સંહાર કરો; અને લોહી તરસ્યા ખૂનીઓ મારાથી દૂર થાઓ.
[20] તેઓ તમારા નામની નિંદા બહુ કરે છે; અને તમારી વિરુદ્ધ મગરુરીથી ઊભા રહે છે; તેઓ કેટલા મૂર્ખ છે!
[21] હે યહોવા, તમારો દ્વેષ કરનારાઓનો શું હું દ્વેષ ન કરું? જેઓ તમારી સામે ઊઠે છે; શું હું તેઓનો ધિક્કાર ન કરું?
[22] હું તેઓને સંપૂર્ણ રીતે ધિક્કારું છું; હું તમારા શત્રુઓને મારા શત્રુઓ ગણું છું.
[23] હે યહોવા, મારી પરીક્ષા કર; અને મારું અંત:કરણ ઓળખ; મારી કસોટી કર અને મારા વિચારોને પકડ.
[24] તમને દુ:ખ થાય તેવી બાબત તમને મારામાં દેખાય તો મને જણાવો; અને સનાતન માગેર્ મને દોરી જાઓ.