[1] યહોવાની સ્તુતિ કરો! આકાશમાંથી તેમની સ્તુતિ કરો! ઉચ્ચસ્થાનમાંથી તેમની સ્તુતિ કરો!
[2] તમે બધાં દેવદૂતો તેમની સ્તુતિ કરો; તેમનાં સર્વ સૈન્યો તેમની સ્તુતિ કરો!
[3] સૂર્ય તથા ચંદ્ર, તમે તેની સ્તુતિ કરો! સર્વ ઝગઝગતાં તારા તેમની સ્તુતિ કરો!
[4] આકાશોનાં આકાશ તમે યહોવાની સ્તુતિ કરો! આકાશ ઉપરના પાણી તેમની સ્તુતિ કરો!
[5] તમે બધાં જેનું તેમણે સર્જન કર્યુ છે તે યહોવાનાં નામની સ્તુતિ કરો; કારણ તેના હુકમથીજ તમે જન્મ્યા.
[6] દેવે આ બધી વસ્તુઓ, સદાકાળ માટે સ્થાપન કરી છે તેમણે જે નિયમ પ્રસ્થાપિત કર્યા છે તેનો અંત કદાપિ આવશે નહિ અને ઉલ્લંધન કરી શકે નહિ.
[7] હે પૃથ્વી પરના બધાં જ જીવો, તમે યહોવાની સ્તુતિ કરો; હે મહાસાગરનાં ઊંડાણોમાં વસતાં સૌ જીવો તેમની સ્તુતિ કરો.
[8] અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ; આંધીના વાયુ, જે એનુ વચન પૂરુ કરે છે.
[9] તમે પર્વતો તથા ડુંગરો; ફળવૃક્ષો તથા સર્વ દેવદારો.
[10] હિંસક પ્રાણીઓ તથા સર્વ પશુઓ; પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ;
[11] પૃથ્વીના રાજાઓ, અને સર્વ પ્રજાઓ, તથા તેઓના અધિકારીઓ તેમજ ન્યાયાધીશો;
[12] યુવાનો અને કન્યાઓ, વૃદ્ધો અને બાળકો;
[13] તમે સર્વે યહોવાની સ્તુતિ કરો કારણકે ફકત તેમનું એકલાનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે! આકાશ અને પૃથ્વી પરની તમામ વસ્તુઓ તેમની સ્તુતિ કરો!
[14] તે તેમના લોકોની તાકાત વધારશે, તેના વફાદાર સંતો તેમની સ્તુતિ કરો. સર્વ ઇસ્રાએલીઓ જે લોકો તેમની ખૂબ નજીક છે તે તેમની સ્તુતિ કરો.