Skip to content
Opens in a new window

[1] યહોવા, દેવોના દેવ બોલ્યા છે, તે સમગ્ર માનવ જાતને પૂર્વથી પશ્ચિમ સુધી બોલાવે છે.

[2] સિયોનમાંથી દેવ સવોર્ચ્ચ સુંદરતા સાથે પ્રકાશે છે.

[3] આપણા દેવ આવે છે, તેઓ મૌન રહેશે નહિ, ભસ્મ કરનાર અગ્નિ આગળ આવે છે, તેમની આસપાસ મહાતોફાન જાગશે.

[4] તેઓ અહીં પોતાના લોકોનો ન્યાય કરવા આવ્યાં છે. જ્યારે તેઓ પોતાના લોકોનો ન્યાય કરશે ત્યારે તેઓ પૃથ્વી અને આકાશને સાક્ષી તરીકે બોલાવશે.

[5] જેઓએ યજ્ઞથી મારી સાથે કરાર કર્યા છે, એવાં ભકતોને મારી પાસે ભેગા કરો.

[6] દેવ પોતે જ ન્યાયાધીશ છે. તેમનું ન્યાયીપણું આકાશો પ્રગટ કરશે.

[7] “હે મારા લોકો, હું કહું તે સાંભળો, હે ઇસ્રાએલ, હું તારી વિરુદ્ધ સાક્ષી પૂરીશ; કારણકે હું દેવ છું, હા, હું તારો દેવ છું.

[8] મારી વેદી પર તમે જે યજ્ઞો કરો છો, મારી સામે જે નિરંતર દહનાર્પણો થાય છે. તે માટે, હું તને ઠપકો દઇશ નહિ.

[9] હું તમારા ઢોરવાડામાંથી બળદો નહિ લઉં કે તમારા નેસડામાંથી બકરાં નહિ લઉં.

[10] કારણકે અરણ્યનાં પ્રત્યેક પશુ અને હજારો ડુંગરો પરનાં પ્રાણી મારાં છે.

[11] હું પર્વતો પરના સર્વ પક્ષીઓને ઓળખું છું, અને જઁગલનાં સર્વ હિંસક પ્રાણીઓ પણ મારા જ છે.

[12] જો હું ભૂખ્યો હોઇશ, તોય તમને કહીશ નહિ, કારણ સમગ્ર સૃષ્ટિનું સર્વ મારું જ છે.

[13] શું હું બળદોનું માંસ ખાંઉ, અથવા બકરાઓનું રકતપાન કરું?”

[14] તેથી દેવ માટેના આભાર સ્તુતિનાં અર્પણો લઇ આવો અને પરાત્પર તમે આપેલા વચનો પરિપૂર્ણ કરો.

[15] “મારામાં વિશ્વાસ રાખીને સંકટ સમયે મને પ્રાર્થના કરો, હું તમારી રક્ષા કરીશ અને પછી તમે મારો મહિમા કરી શકશો.”

[16] પણ દુષ્ટ લોકોને દેવ કહે છ કે, “શા માટે તમે મારા વિધિઓ વિષે બોલો છો? શા માટે તમારે મારા કરાર વિષે વાત કરવી જોઇએ?

[17] મારા શિખામણનો તેઁ તિરસ્કાર કર્યો છે અને મારી શિસ્તની તેં અવગણના કરી છે.

[18] જો તમે એક ચોરને જુઓ છો, તો તમે તેની સાથે જોડાવા દોડો છો, અને તમે વ્યભિચારીઓ સાથે વ્યભિચારમાં જોડાઓ છો.

[19] તારું મુખ શાપ આપે છે, અને તારી વાણી અસત્ય વદે છે. અને તારી જીભનો ઉપયોગ તું કપટની ચાલમાં કરે છે.

[20] તું તારા પોતાનાં ભાઇની નિંદા કરે છે, તું તારી માતાના પુત્રની બદનામી કરે છે.

[21] તમે આ ખરાબ કામો કર્યા છે છતાં મેં કાઇં કહ્યું નહિ. તેથી તમે વિચાર્યુ કે હું હતો તમારા જેવો, પણ હવે આવ્યો છે સમય, મારા માટે તમારી સામે આ આરોપો મૂકવાનો અને તમારા મોઢાં પર ઠપકો આપવાનો!

[22] તમે કે જે દેવને ભૂલી ગયા છો, તમારા ટુકડા કરૂં તે પહેલા તમારે આ સમજવાનુ છે કે તમને બચાવવાવાળું કોઇ નહિ હોય.

[23] જે વ્યકિત આભારસ્તુતિનાં અર્પણો અર્પણ કરે છે તે મને માન આપે છે. જે ન્યાયને માગેર્ ચાલે છે તે વ્યકિતનું રક્ષણ કરવાં હું મારું તારણ બતાવીશ.”

ગીતશાસ્ત્ર — Chapters