[1] હે પ્રેમાળ દયાળુ દેવ! મારા પર દયા કરો. તમારી મહાન સહાનુભૂતિથી મારા પાપો ભૂંસી નાખો.
[2] હે યહોવા, મારા અપરાધ અને પાપોથી મને ધુઓ અને મને પરિશુદ્ધ કરો.
[3] હું મારા શરમજનક કૃત્યોની કબૂલાત કરું છું, હું હંમેશા મારા પાપો વિશે વિચારું છું.
[4] મેં તમારી વિરુદ્ધ પાપ કર્યાં છે, હા તમારી વિરુદ્ધ; જે ભયંકર કૃત્યો મેં કર્યા છે તે તમે જોયા છે. તેથી તમે તમારા નિર્ણયો અને મારી વિરુદ્ધ લીધેલા ઠરાવોમાં સાચા અને ન્યાયી છો.
[5] હું પાપમાં જન્મ્યો હતો, મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો.
[6] તમે માંગો છો અંત:કરણની સત્યતા અને પ્રામાણિકતા, મારામાના ઊંડાણમાં સાચું જ્ઞાન મૂકો.
[7] મારા પાપો ઝુફાથી દૂર કરો, જેથી હું શુદ્ધ થઇશ; અને તેથી મને હિમથી પણ શ્વેત બનાવવા માટે ધુઓ.
[8] મને સુખ અને આનંદ આપો, અને ભલે મારા હાડકાં, જે તમે કચડી નાંખ્યા હતાં તે ફરીથી આનંદ પામે.
[9] મારા પાપો તરફ જોશો નહિ, ભૂંસી નાખો મારા સર્વ પાપ.
[10] હે દેવ, મારામાં નવું શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો, અને મારા આત્માને મજબૂત કરો!
[11] મને તમારી સંમુખથી સદાકાળ માટે દૂર કરશો નહિ, અને તમે મારી પાસેથી તમારો પવિત્ર આત્મા છીનવી ન લેશો.
[12] જ્યારે તમે મને બચાવતા જે આનંદ આપ્યો હતો તે મને પાછો આપો. મારા આત્માને મજબૂત, તૈયાર અને તમને અનુસરવા તત્પર બનાવો.
[13] ત્યારે હું ઉલ્લંધન કરનારાઓને તમારા માગોર્ શીખવીશ, અને પાપીઓ તમારા તરફ ફરશે.
[14] હે મારા દેવ, મારા તારણહાર; મને મૃત્યુદંડથી બચાવો; હું આનંદથી તમારી સ્તુતિ ગાઇશ, અને હું તમારી નિષ્પક્ષતા વિષે બોલીશ.
[15] હે યહોવા, તમે મારા હોઠ ઉધાડો; એટલે મારું મુખ સ્તુતિ પ્રગટ કરશે.
[16] તમે યજ્ઞોથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત; તમને વેદી પર અર્પણ કરેલાં દહનાર્પણ પસંદ નથી.
[17] દેવને જે અર્પણ જોઇએ છે તે છે ભંગિત, ખેદિત, પશ્ચાતાપી આત્મા. હે દેવ, નમ્ર અને આજ્ઞાંકિત હૃદયના વ્યકિતનો અસ્વીકાર તમે કરશો નહિ.
[18] દેવ, તમે સિયોનનું ભલું કરો, અને યરૂશાલેમની આજુબાજુ તમે ફરી દિવાલ બાંધો.
[19] અને પછી તમારી વેદી પર, ગોધાઓનું અર્પણ થશે, અને તમને ન્યાયીપણાના યજ્ઞોથી, દહનાર્પણ તથા અખંડ દહનાર્પણોથી પ્રસન્ન કરાશે.