[1] હે દેવ, મારી પ્રાર્થનાને સાંભળો; મારી દયા માટેની પ્રાર્થનાની અવગણના કરશો નહિ.
[2] હે યહોવા, મને ધ્યાનથી સાંભળો; ને મને ઉત્તર આપો; હું શોકને કારણે અશાંત છું; અને વિલાપ કરું છું.
[3] દુશ્મનો મારી સામે બૂમો પાડી રહ્યાં છે. તેઓએ મને ધમકી આપી ગુસ્સામાં અને ધિક્કારથી મારા પર હુમલો કર્યો. તેઓ મારા ઉપર તકલીફો લાવ્યા.
[4] મારા હૃદયમાં ઘણી વેદના થાય છે, અને મૃત્યુની ધાકે મારા પર કબજો જમાવ્યો છે.
[5] મારું શરીર ભયથી ધ્રુજે છે, હું ભયથી ઘેરાઇ ગયો છું.
[6] મને કબૂતરની જેમ પાંખ હોત, તો કેવું સારું! કે હું દૂર ઊડી શકત અને વિશ્રામ કરત.
[7] હું રણમાં દૂર સુધી ઊડી જાત અને ત્યાં મુકામ કરત.
[8] વિનાશકારી પવનનાં તોફાનથી હું ઉતાવળે નાસીને આશ્રયસ્થાને પહોંચત.
[9] હે યહોવા, આ દુષ્ટજનોમાં અંદરો અંદર ગેરસમજ ઊભી કરો, મેં એકબીજાની વિરુદ્ધ નગરમાં હિંસક ઝગડા જોયાં છે.
[10] આખા શહેરમાં રાત-દિવસ હિંસા અને ઉપાધિ છે, શહેરમાં ક્રૂરતા અને દુષ્ટતા પ્રવતીર્ રહી છે.
[11] નગરમાં કેવાં વિનાશકારી પરિબળો સક્રિય છે! જ્યાં જુઓ ત્યાં રસ્તામાં છેતરપિંડી તથા જુલમ છે.
[12] મને મહેણાં મારનાર કે નિંદા કરનાર, મારા શત્રુ ન હતા; એ તો મારાથી સહન કરી શકાત; મારી વિરુદ્ધ ઊઠનાર મારો વેરી ન હતો, નહિ તો હું સંતાઇને નાસી છૂટયો હોત.
[13] પણ તે તો તમો છે મારા જેવા માણસ, મારા મિત્ર ને મારા સાથીદાર છો.
[14] આપણે એકબીજાની સાથે સુખે વાતો કરતાં હતાં. અને જનસમુદાય સાથે દેવના મંદિરમાં જતા હતા.
[15] એકાએક તેમના પર મોત આવો, તેઓ જીવતા જ શેઓલમાં ઉતરી પડો, કારણ, તેઓનાં ઘરોમાં પાપ થાય છે, તેઓનાં અંતરનાં ઊંડાણોમાં દુષ્ટતા છે.
[16] હું તો દેવને પોકાર કરીશ, તેથી યહોવા મારું તારણ કરશે.
[17] પણ હું, મારા દુ:ખમાં; સવારે બપોરે ને રાત્રે દેવને સાદ કરીશ; અને તે મારી પ્રાર્થના સાંભળશે.
[18] હું ઘણા યુદ્ધોમાં લડ્યોં છું; પરંતુ દેવે હંમેશા મને બચાવ્યો છે અને મને સુરક્ષિત રીતે પાછો લાવ્યો છે.
[19] દેવ અનાદિકાળથી ન્યાયાસન પર બિરાજમાન છે, તે તેઓને તેઓના શબ્દો સાંભળીને નમાવશે, તેઓ યહોવાનો ભય રાખતાં નથી ને પોતાના માર્ગ પણ બદલતાં નથી.
[20] તેઓએ તેમનાં મિત્રો પર હુમલો કર્યો છે, તેઓએ તેમની સાથે કરેલા કરારનો ભંગ કર્યો છે.
[21] તેના શબ્દો છે માખણ જેવાં સુંવાળા, પણ તેનું હૃદય યુદ્ધનાં વિચારોથી ભરેલુ છે. શબ્દો તેલ કરતાય વધુ નરમ છે, પણ તે શબ્દો છરીની જેમ કાપે છે.
[22] તમારી ચિંતાઓ યહોવાને સોંપી દો, અને તે તમને નિભાવી રાખશે, તેઓ ક્યારેય સદાચારી લોકોને પરાજીત થવા દેતા નથી.
[23] હે દેવ, તમે મારા શત્રુઓને વિનાશની ખાઇમાં ધકેલી દો છો. ખૂની-કપટી પોતાનું અડધું આયુષ્ય પણ નથી ભોગવી શકતાં. પરંતુ મારા રક્ષણ માટે તો હું તમારા પર ભરોસો રાખીશ.